ગેઈલ ઇન્ડિયા કંપની પાછળ GIDC તળાવ પાસે બાવળની ઝાડીમાં ચાલતી દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિનો પર્દાફાશ, રૂ. ૫૫ હજારનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ
ગાંધીધામ : ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના અડ્ડા પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી છે. સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી (અંજાર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી કરી હતી. ખાનગી બાતમીના આધારે મીઠીરોહર સીમમાં ગેઈલ ઇન્ડિયા કંપની પાછળ GIDC તળાવ પાસે બાવળની ઝાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન દેશી દારૂ બનાવવાનો ૨,૨૦૦ લીટર ઠંડો આથો, જેની કિંમત રૂ. ૫૫,૦૦૦ છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અનવર ઉર્ફે અનુડો બાવલા સોઢા (ઉં.વ. ૩૭), રહે. મડદપીરની દરગાહ પાછળ, મીઠીરોહર, તા. ગાંધીધામની ધરપકડ કરી છે. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯૯ ૩૦૦૭૨૬ ૧૭૧૩/૨૦૨૬ મુજબ પ્રોહી કલમ ૬૫(એફ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.