નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધાયો : નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ શરૂ
નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા તાલુકામાં નવાવાસના ગેટ પાસે દાઝી જવાના બનાવમાં માતા અને બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૧૯/૧૧ ના રોજ સાંજે કલાક પાંચ વાગ્યાના અરસામાં નવાવાસના ગેટ પાસે આ બનાવ બન્યો હતો.
આ બનાવમાં મરણ જનાર સ્નેહાબા મહેન્દ્રસિંહ ઉર્ફે મયુરસિંહ સોઢા (ઉં.વ. ૨૨) જીદ્દી અને ઉગ્ર સ્વભાવના હોઈ, કોઈ અગમ્ય કારણોસર પોતાની સાથે ૯ માસના માસૂમ પુત્ર પ્રાશીવરાજ મહેન્દ્રસિંહ ઉર્ફે મયુરસિંહ નીમસિંહ સોઢાને રાખીને પોતાના તથા બાળકના શરીરે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી બંનેના શરીરે આગ લગાડી હતી. ત્યારબાદ સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા હતા. મૃતક બંને નવાવાસના ગેટ પાસે, નખત્રાણા, તા. નખત્રાણા ખાતે રહેતા હતા. આ ઘટનાથી નખત્રાણા પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. આ મામલે મૂળ મોટા બંદરાના રાશુભા કેશુભા જાડેજાએ પોલીસને જાણ કરી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ, નખત્રાણા ચલાવી રહ્યા છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.