Trending News
રમત જગત

ફૂટબોલની નવી પેઢીની પ્રતિભાઓની ઓળખ માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની પહેલ : પરિમલ નથવાણી

06 November


જર્મનીની અદ્યતન પદ્ધતિથી ૧૩૩ ખેલાડીઓના રમતકૌશલ્યનું મૂલ્યાંકન, બે ખેલાડીઓને જર્મનીમાં તાલીમની તક

અમદાવાદ-કચ્છ ઉદય : ગુજરાતમાં ફૂટબોલની નવી પેઢીને યોગ્ય મંચ મળે અને પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાની તક પ્રાપ્ત થાય તે દિશામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને નવી પહેલ કરી છે. એસોસિયેશનના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સુપર લીગની ત્રીજી સિઝનમાં પ્રથમ વખત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેલાડીઓના રમતપ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જર્મનીની બૉશ-ઈવૉકો સ્પોર્ટ્‌સ ઇન્ટેલિજન્સના સહયોગથી હાથ ધરાયેલા આ પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ માત્ર મેચના પરિણામને બદલે ખેલાડીની વ્યક્તિગત ક્ષમતા, નિર્ણયશક્તિ અને મેદાન પરના યોગદાનને ઓળખવાનો હતો.
સપ્ટેમ્બર ૨૦૨૬માં અમદાવાદના એકાએરિના ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાયેલી ગુજરાત સુપર લીગની ત્રીજી સિઝનની તમામ ૧૬ મેચોનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં છ ફ્રેન્ચાઇઝી ટીમોના ૧૩૩ ખેલાડીઓનો સમાવેશ થયો હતો. સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વૉરિયર્સ, ગાંધીનગર જાયન્ટ્‌સ, અમદાવાદ એવેન્જર્સ, સુરત સ્ટ્રાઇકર્સ અને કર્ણાવતી નાઇટ્‌સના ખેલાડીઓના પ્રદર્શનને વિવિધ માપદંડો પર ચકાસવામાં આવ્યું હતું.
વિડિયો આધારિત નિરીક્ષણ અને ખેલાડીઓની ગતિવિધિઓના વિશ્લેષણ દ્વારા તેમની શારીરિક ક્ષમતા, ટેક્નિકલ કૌશલ્ય, રમત દરમિયાન નિર્ણય લેવાની આવડત, માનસિક મજબૂતી તથા દબાણમાં પ્રદર્શન કરવાની ક્ષમતાનો અભ્યાસ કરાયો હતો. ખાસ કરીને દબાણભરી પરિસ્થિતિમાં ખેલાડીની નિર્ણયશક્તિ, મેદાન પર ભૂલ થયા બાદ ફરી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને પ્રતિસ્પર્ધી સામેની સીધી ટક્કરમાં તેની અસરકારકતા જેવા પાસાંને મહત્ત્વ અપાયું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં ૧, ૭૧૯થી વધુ અવલોકનો નોંધવામાં આવ્યાં હતાં. નિષ્ણાતોની આ ટીમમાં જર્મનીની ટી.એસ.જી. હોફનહીમ ક્લબના ભૂતપૂર્વ વડા અને રમતવિજ્ઞાની પ્રો. ડૉ. જાન મેયરનો પણ સમાવેશ થયો હતો.
આ વિશ્લેષણથી એ પણ સ્પષ્ટ થયું હતું કે ટુર્નામેન્ટમાં વિજેતા બનનારી ટીમના ખેલાડીઓ જ સૌથી વધુ વ્યક્તિગત ક્ષમતા ધરાવતા હોય તે જરૂરી નથી. સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હોવા છતાં વ્યક્તિગત પ્રદર્શનના એકંદર મૂલ્યાંકનમાં વડોદરા વૉરિયર્સ ૬૬.૩ ટકા સફળતા સાથે આગળ રહી હતી, જ્યારે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સનો સફળતા દર ૬૩.૧ ટકા નોંધાયો હતો. આ પ્રકારના મૂલ્યાંકનથી ટીમના પરિણામોની પાછળ રહી જતી વ્યક્તિગત પ્રતિભાને પણ ઓળખી શકાય છે.
આ પહેલનું મહત્ત્વપૂર્ણ પરિણામ એ આવ્યું છે કે અંડર-૨૦ વયજૂથના બે ખેલાડીઓની જર્મનીની ફૂટબોલ ક્લબમાં અદ્યતન તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગર જાયન્ટ્‌સના અરિહંત રાજપુરોહિતે ૮૨.૪ ટકા એકંદર સફળતા દર નોંધાવી અંડર-૨૦ ખેલાડીઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સીધી ટક્કરમાં તેમનો સફળતા દર ૮૭.૫ ટકા રહ્યો હતો, જ્યારે સ્થિરતા આંક ૩૧.૫૯ નોંધાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના આશિષ રાણાએ છમાંથી પાંચ મેચમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી ૭૦ ટકા સફળતા દર મેળવ્યો હતો અને તેમનો સ્થિરતા આંક ૪૬.૪ રહ્યો હતો. બંને ખેલાડીઓને જર્મનીમાં તાલીમ અપાવવા માટેની જરૂરી વ્યવસ્થા અને પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં ફૂટબોલની પ્રતિભા શોધવાની પરંપરાગત પદ્ધતિને વધુ વૈજ્ઞાનિક અને પરિણામલક્ષી બનાવવાના પ્રયાસરૂપે આ પહેલને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ ભાગીદારીથી યુવા ખેલાડીઓની ક્ષમતાનું યોગ્ય મૂલ્યાંકન કરી તેમને જરૂરિયાત મુજબનું માર્ગદર્શન, તાલીમ અને આંતરરાષ્ટ્રીય અનુભવ પૂરો પાડવાનો માર્ગ મોકળો બન્યો છે. જાણીતા ફૂટબોલ વિચારક કૌશિક મૌલિકે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન અને જર્મનીની બૉશ-ઈવૉકો સંસ્થાને એક મંચ પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનીય છે કે પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ હોવા ઉપરાંત ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. 
----------

Comments

COMMENT / REPLY FROM