કચ્છ યુનિવર્સિટીમાં કથિત ભરતી કૌભાંડ છતાં શિક્ષણજગતમાં ઓપરેશન ગંગાજળ બાકાત
ગેરકાયદે ભરતી અને કૌભાંડોના નક્કર પુરાવા શિક્ષણ વિભાગને મોકલી આપ્યા છતાં સરકાર પગલાં લેવાની હિંમત દાખવતી નથી
ભુજ-કચ્છઉદય : રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર ડામવા ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ શિક્ષણ જગતને આ સફાઈ અભિયાનમાંથી બાકાત રખાતાં મોટા કૌભાંડો આકાર લઈ રહ્યા છે. ભુજમાં આવેલી કચ્છ યુનિવર્સિટી જાણે વિવાદો અને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮માં સ્વનિર્ભર કોર્સ અંતર્ગત ખોટી રીતે એનઓસી મેળવીને ૧૮થી વધુ અધ્યાપકોની કાયમી ધોરણે ગેરકાયદેસર નિમણૂક કરી દેવાઈ હતી. આ અધ્યાપકો છેલ્લા આઠ વર્ષથી લાખો રૂપિયાનો પગાર મેળવીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે, છતાં કોઈ કડક કાર્યવાહી થઈ નથી. અઢી વર્ષ પૂર્વે બનેલી તપાસ કમિટીનો રિપોર્ટ પણ દબાવી દેવાયો છે. કૌભાંડીઓને છાવરવાની સરકારની આ નીતિને કારણે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોને મોકળું મેદાન મળી ગયું હતું કચ્છ યુનિવર્સિટીમાં થોડા સમય પહેલાં નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી, જેમાં મોટાપાયે ગેરરીતિ અને કૌભાંડના આક્ષેપો થયા હતા. શિક્ષણ વિભાગે તપાસ બાદ આ ભરતીને ગેરલાયક પણ ઠરાવી હતી, પરંતુ જેમની સામે કડક કાર્યવાહી થવાની હતી તે લોકો બચાવ માટે કોર્ટના શરણે જતા હાલ આ સમગ્ર મામલો કોર્ટમાં પડતર છે. આ વિવાદની શાહી હજુ સુકાઈ નથી ત્યાં યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ૩૨ જેટલા પ્રોફેસરોની નવી ભરતી કરવામાં આવી તેમાં પણ વ્યાપક પ્રમાણમાં લાગવગશાહી અને ગેરરીતિ આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા હતા. માત્ર નોકરીની ભરતીમાં નહીં, કચ્છ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના મૂળિયાં છેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચ્યા છે. હાલમાં યુનિવર્સિટી કેમ્પસમાં ચાલી રહેલા વિવિધ બાંધકામો અને ખાસ કરીને તળાવ ખોદકામની કામગીરીમાં પણ મોટા કૌભાંડો આચરવામાં આવ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. આ બાબતે અલગ અલગ ક્ષેત્રના લોકો દ્વારા શિક્ષણ વિભાગમાં નનામી અને નામ સાથેની અરજીઓ પણ કરવામાં આવી છે. કેટલાક જાગૃત શિક્ષણવિદોએ કઈ યુનિવર્સિટીમાં કેવી રીતે ગેરકાયદે ભરતીઓ અને કૌભાંડો થયા છે તેના નક્કર પુરાવાઓ ઉચ્ચ શિક્ષણ વિભાગને મોકલી આપ્યા હોવા છતાં સરકાર કોઈ પગલાં લેવાની હિંમત દાખવતી નથી. ત્યારે છાત્રોના ભવિષ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડીઓને ઘરભેગા કરવા શિક્ષણજગતમાં પણ સત્વરે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી રહી છે.
...........

Comments