Trending News
સ્થાનિક સમાચાર

ધનતેરસના પર્વે ‘લક્ષ્મી’એ કેન્સરને આપી માત : આરોગ્ય વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી ચાર વર્ષની બાળકી બની સ્વસ્થ

06 November


આબીએસકે ટીમના સતત પ્રયાસો, સમજાવટ અને સમયસર સારવારના કારણે કુકમાની ચાર વર્ષની લક્ષ્મી કેન્સર સામે જંગ જીતી ફરી સ્વસ્થ જીવન તરફ વળી

ભુજ - કચ્છઉદય : ધનતેરસ એટલે ધન અને સમૃદ્ધિનો પર્વ. નતેરસના પાવન અવસરે એક ‘લક્ષ્મી’ની સફળતાની વાત કરવી છે, જેણે ગંભીર બીમારી સામે હિંમતભેર લડત આપીને કેન્સરને માત આપી છે. ભુજ તાલુકાના કુકમા ગામના વણકરવાસમાં રહેતી ચાર વર્ષની બાળકી લક્ષ્મી દેવા રોશિયાએ આરોગ્ય વિભાગની ટીમના સતત પ્રયાસો અને સમયસર મળેલી સારવારના પરિણામે કેન્સર જેવી ગંભીર બીમારીને હરાવી આજે સંપૂર્ણ સ્વસ્થ જીવન તરફ વાપસી કરી છે.
આશરે દોઢ વર્ષ પહેલાં બાળકી લક્ષ્મીને પેટમાં દુખાવો, પેટમાં અસામાન્ય સોજો અને પેશાબ કરવામાં તકલીફ જેવી તકલીફો જોવા મળી હતી. તપાસ દરમિયાન બાળકીના પેટમાં કેન્સરની ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. તેને વિલ્મ્સ ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીએસકે ટીમ કુકમા (ડો. બ્રિજેશ પંડ્યા અને ડો. મુનમુન સેજપાલ) દ્વારા પરિવારને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે વારંવાર સમજાવવામાં આવ્યો હતો. જોકે, શરૂઆતમાં પરિવાર દ્વારા બાળકીની સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આનાકાની કરવામાં આવતી હતી. ઇમ્જીદ્ભ ટીમ દ્વારા અનેક વખત ઘર મુલાકાત લેવામાં આવી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા પણ સતત મુલાકાતો અને સમજાવટ કરવામાં આવી હતી. આશરે એક વર્ષ પહેલાં દિવાળીના તહેવારો નજીક હતા. તે સમયે આરબીએસકે ટીમ જ્યારે ફરીથી બાળકીના ઘરે પહોંચી ત્યારે તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. બાળકી છેલ્લા એક અઠવાડિયાથી ઘરના રૂમમાં પથારીવશ હતી. તે કંઈ ખાઈ-પી શકતી નહોતી અને તેનું પેટ પણ ખૂબ જ ફૂલી ગયું હતું. આ પરિસ્થિતિ જોઈ આરોગ્ય વિભાગની ટીમે પરિવારને તાત્કાલિક સારવારની ગંભીરતા સમજાવવાનો નિર્ણય કર્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આંગણવાડી કાર્યકર, બાળકીના સગા-સંબંધીઓ તથા સામાજિક આગેવાનોને એકત્રિત કરવામાં આવ્યા હતા. સૌની ઉપસ્થિતિમાં પરિવારને બાળકીની ગંભીર સ્થિતિ અને સમયસર સારવાર ન મળે તો ઊભા થઈ શકે તેવા જોખમો અંગે સમજાવવામાં આવ્યું હતું. અંતે પરિવાર સહમત થયો અને બાળકી લક્ષ્મીને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
ત્યારબાદ આશરે ૬થી ૮ મહિના સુધી બાળકીની જરૂરી તબીબી સારવાર કરવામાં આવી. સતત સારવાર અને તબીબોના પ્રયાસોના પરિણામે આજે બાળકી લક્ષ્મી સંપૂર્ણ સ્વસ્થ છે. એક સમયે ગંભીર બીમારીને કારણે પથારીવશ થઈ ગયેલી બાળકી આજે ફરીથી હસતી-રમતી અને સ્વસ્થ જીવન જીવી રહી છે. આ સફળતા માત્ર એક બાળકીના સ્વસ્થ થવાની કહાની નથી, પરંતુ આરોગ્ય વિભાગના કર્મચારીઓની નિષ્ઠા, ધીરજ, સતત ફોલોઅપ અને સંકલિત પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. ખાસ કરીને આરબીએસકે ટીમ દ્વારા હાર ન માનતાં વારંવાર કરવામાં આવેલા પ્રયાસો અને પરિવારને સમજાવવાની કામગીરીએ એક નાનકડા બાળકનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ સફળતાની યશગાથામાં માર્ગદર્શન અને સહયોગ આપનાર ભુજ તાલુકા હેલ્થ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમાના મેડિકલ ઓફિસર ડૉ. ધારા અજાણી, આરબીએસકે ટીમના ડૉ. બ્રિજેશ પંડ્યા, ડૉ. મુનમુન સેજપાલ, આરબીએસકે એફએચડબલ્યુ શાંતિબેન, સંબંધિત વિસ્તારના એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન. આ ધનતેરસે સાચા અર્થમાં લક્ષ્મીનું સ્વાસ્થ્ય અને સ્મિત પરિવાર માટે સૌથી અમૂલ્ય ધન બન્યું છે. 
-----

Comments

COMMENT / REPLY FROM