રાપરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થા પર નગરપાલિકાનો સપાટો
માલી ચોકના ગોડાઉનમાંથી ૩૦ કિલો પ્લાસ્ટિક જપ્ત : રૂા. પાંચ હજારનો દંડ વસૂલાયો
રાપર-કચ્છઉદય : શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ લાવવા રાપર નગરપાલિકા દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત નગરપાલિકાની ટીમે માલી ચોક વિસ્તારમાં તપાસ કરતાં એક ગોડાઉનમાંથી આશરે ૩૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતાં તેને જપ્ત કર્યો હતો.
ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓની સંયુક્ત ટીમે ગોડાઉનમાં તપાસ કરી હતી. આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના પેપર કપનો જથ્થો મળી આવતાં તાત્કાલિક જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ વિરુદ્ધ પ્લાસ્ટિકનો સંગ્રહ કરવા બદલ જવાબદાર પાસેથી સ્થળ પર જ રૂ. પાંચ હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
નગરપાલિકાના અધિકારીઓ અને મહિલા કર્મચારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી આ કામગીરીને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકાએ વેપારીઓ અને નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ નહીં કરવા અપીલ કરી છે. પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કાપડ અને કાગળની થેલીઓ અપનાવવા પણ અનુરોધ કર્યો છે. નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રહેશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો દંડ વસૂલવા ઉપરાંત દુકાન કે એકમ સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
----------

Comments