ભુજમાં યુવા સંસદમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દે વિચારમંથન
વિકસિત ભારતના સંકલ્પ સાથે યુવાનોએ સંસદીય ઢબે રજૂ કર્યા તર્કબદ્ધ વિચારો
ભુજ-કચ્છઉદય : દેશના વિકાસમાં યુવાનોની ભાગીદારી વધારવા અને લોકશાહી વ્યવસ્થાની સમજ કેળવવાના હેતુથી માય ભારતના ઉપક્રમે ભુજ ખાતે જિલ્લા કક્ષાની ‘વિકસિત ભારત યુવા સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનું આયોજન માય ભારતના જિલ્લા યુવા અધિકારી અમિત શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહેમાનો અને યુવાનોનું સ્વાગત કરતાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકમાં યુવા શક્તિની ભૂમિકા સમજાવી હતી. સાથે જ એક રાષ્ટ્ર, એક ચૂંટણી જેવા મહત્ત્વના સુધારા અંગે યુવાનોમાં જાગૃતિ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એકસાથે ચૂંટણી યોજવાની વ્યવસ્થાથી નાણાકીય અને વહીવટી સંસાધનોની બચત થવાની સાથે વિકાસનાં કાર્યોને વેગ મળી શકે છે. તેમણે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી દિવ્યાંશી ગઢવી, અશરફ નથવાણી અને દાનવીરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યુવા સ્પર્ધકોએ સંસદીય પદ્ધતિથી એક રાષ્ટ્ર, એક ચૂંટણીના લાભ, આર્થિક વિકાસ પર તેની સંભવિત અસર, સુશાસન અને યુવા સશક્તિકરણ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. યુવાનોની રજૂઆત અને નેતૃત્વ ક્ષમતાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. કાર્યક્રમના સમાપને આભારવિધિ યોજાઈ હતી. સહભાગી યુવાનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની જવાબદારી નિભાવવા અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
----------

Comments