Trending News
સ્થાનિક સમાચાર

ભુજની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી 

05 November




વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો

ભુજ - કચ્છઉદય : ભુજ - માંડવી હાઇવે પર સુખપર સ્થિત પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગેટ સેટ ફોર એક્શન વિથ જમ્બો થીમ અંતર્ગત વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના સ્પોર્ટ્‌સ ડિરેક્ટર ચિરાગ સાવલિયા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ ચૌહાણ તથા હેડમિસ્ટ્રેસ સોનલ ચેટરજી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્‌સનું આયોજન કરાયું હતું, જેમાં ૩૦ મીટર, ૫૦ મીટર અને ૧૦૦ મીટરની દોડ, ૪.૫૦ મીટર રિલે રેસ, ઝિગઝેગ રેસ, બોલ એન્ડ કોન રિલે, શોટપુટ, ફૂટબોલ, ક્રિકેટ તેમજ દોરડા ખેંચ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ખેલદિલી અને ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની રમતગમતની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વાલીઓ માટે આયોજિત સ્પર્ધાઓ રહી હતી. વાલીઓ માટે ૧૦૦ મીટરની દોડ, ચેર રેસ અને દોરડા ખેંચ જેવી રમતો યોજવામાં આવી હતી, જેમાં વાલીઓએ પણ ભારે ઉત્સાહ અને આનંદ સાથે સક્રિય ભાગીદારી નોંધાવી સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં રમતગમતનું મહત્ત્વ સમજાવી અભ્યાસની સાથે રમતગમતમાં પણ આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે રમતગમત દ્વારા હાર-જીતને સમાન ભાવે સ્વીકારી સતત પ્રયત્નશીલ રહેવાનો સુંદર સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના સમાપન સમયે તમામ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ નરેન્દ્રસિંહ ચૌહાણ, હેડમિસ્ટ્રેસ સોનલ ચેટરજી, સ્પોર્ટ્‌સ ટીચર શ્રદ્ધા વાઘેલા, કો-ઓર્ડિનેટર નિરાલી સોલંકી, એડમિન ઓફિસર સાગર કોટક સહિત સમગ્ર શિક્ષકગણ અને કર્મચારી પરિવારે જહેમત ઉઠાવી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
---------------- 

Comments

COMMENT / REPLY FROM