બિહારનો શ્રવણકુમાર ૧૨ વર્ષ બાદ પરિવારને મળ્યો
દિવાળી પર્વે પરિવારના મોભી ઘરે પરત ફરતાં પરિવારની ખુશીનો પાર ન રહ્યો
ભુજ - કચ્છઉદય : બિહારનાં પટણા જીલ્લાનાં કુસરૂપુર વિસ્તારનો યુવાન શ્રવણકુમાર (ઉ.વ. ૩૮) ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે વર્ષો પછી તે રેલ્વે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં હિતેશ ગોસ્વામીને જૂના રેલ્વે સ્ટેશન માર્ગે મળી આવ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે રાખી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતનાં સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસની મદદથી માત્ર ૮ દિવસમાં તેનાં ઘર-પરિવાર શોધી કાઢતાં પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા. વર્ષો પછી થયેલા મિલનની ક્ષણો જોઇ સૌની આંખો અશ્રુ ભીની બની હતી. આખરે તે ૫૦ વર્ષનો થઇ પોતાનાં ઘર-પરિવાર સુધી પહોંચ્યો છે. તેની પત્ની દિવ્યાંગ છે. તેમજ તેને બે બાળકો પણ છે. દિપાવલી પર્વે પરિવારનાં મોભી મળી આવતાં પરિવારમાં અનહદ ખુશી છવાઇ હતી. માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, સહેદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, રફીક બાવા, પંકજ કુરુવા, દેવેન્દ્ર જીવાણી, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.
----

Comments