Trending News
સ્થાનિક સમાચાર

પાયરકાના વાડી વિસ્તારમાં દેશી બંદુકની કારતુસ વાગતા કોડકીના યુવાનનું મોત

04 November

મીસફાયર કે આપઘાત ? માનકુવા પોલીસ દ્વારા તપાસ તેજ




ગત મોડી રાત્રે બન્યો બનાવ : હતભાગી વાડીમાં ચોકી કરવા ગયો હતો : એફએસએલ બોલાવાઈ : બંદુકના લાયસન્સના પરવાના બાબતે પણ તપાસ હાથ ધરાઈ



ભુજ - કચ્છઉદય : તાલુકાના પાયરકા વાડી વિસ્તારમાં અવારનવાર બંદુક સાથે શખ્સોની અટકાયત કરવામાં આવતી હોય છે. જો કે ગત રાત્રે મીસફાયર થવાના બનાવમાં યુવાનનું મોત થતા તપાસ તેજ બનાવાઈ છે. અકાળે યુવાનનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશનમાંથી અને જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીની એમએલસી પરથી જાણવા મળતી વિગતો મુજબ કોડકી ગામમાં રહેતા ર૭ વર્ષિય કાદર હાસમ જત પાયરકા વાડી વિસ્તારમાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. રાત્રે સાડા બારથી એક વાગ્યા દરમ્યાન ઘટના બની હતી. હતભાગી વાડીમાં ચોકી કરવા માટે ગયો હતો. તેની પાસે દેશી બનાવટની બંદુક હતી. કોઈ કારણોસર મીસફાયર થતા માથાના ભાગે કારતુસ વાગી હતી અને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં આજે વહેલી પરોઢે ૩.પર કલાકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ માનકુવા પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ દાખલ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પાક રક્ષણ માટેની બંદુક હતી કે પછી અન્ય કોઈ પરવાના આધારે બંદુક મેળવી હતી, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તબક્કે મીસફાયર કારણભૂત માનવામાં આવે છે પરંતુ ગોળી માથાના ભાગે વાગી છે, જેથી મીસફાયર છે કે અન્ય કોઈ બનાવ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. એફએસએલની ટીમ તપાસ માટે આવી છે. એફએસએલ રીપોર્ટ, પીએમ રીપોર્ટ સહિતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બાબતે માનકુવાના પીએસઆઈ શ્રી ધાસુરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ અકસ્માત મોતની નોંધ દાખલ કરવામાં આવી છે. પીએમ રીપોર્ટ, એફએસએલ રીપોર્ટ તેમજ નિવેદનો અને તપાસ બાદ કયા કારણોસર આ બનાવ બન્યો તેની હકીકત સામે આવશે. હાલ આ ઘટનાથી પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી.


 

Comments

COMMENT / REPLY FROM