ઝૂંપડા વીજળીકરણ યોજના’ થકી અંજારના મુકેશભાઈ પ્રજાપતિના આંગણે પહોંચ્યો ઉજાસ
ભુજ - કચ્છઉદય : છેવાડાના માનવી સુધી સુખ-સુવિધાઓ પહોંચાડવાની નેમ સાથે કાર્યરત ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ સામાન્ય નાગરિકોના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહી છે. ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના ફળસ્વરૂપે, અંજાર ગામના મુકેશભાઈ ભાણાજી પ્રજાપતિના ઘરે પ્રથમ વખત વીજ જોડાણ (લાઈટનું મીટર) લાગતા, તેમનું ઘર અંધકારમાંથી મુક્તિ મેળવીને પ્રકાશમય બન્યું છે.
વર્ષોથી અંધારામાં રહેતા આ પરિવાર માટે લાઈટનું મીટર માત્ર વીજળીનું જોડાણ નથી, પરંતુ વિકાસના નવા દ્વાર ખોલનારી કડી સાબિત થયું છે. પોતાના જીવનમાં આવેલા આ ખુશીના પલટા વિશે વાત કરતા ભાવુક હૃદયે લાભાર્થી મુકેશભાઈ પ્રજાપતિ જણાવે છે કે, "અગાઉ અમારા ઘરમાં લાઈટ ન હોવાના કારણે આખો પરિવાર ભારે હાલાકી ભોગવતો હતો. ચોમાસાની રાત્રિઓમાં ઝેરી જીવજંતુઓનો ભય રહેતો, તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં નાના બાળકો અને ઘરના વડીલો મુશ્કેલીનો સામનો કરતા હતા. સૌથી મોટું દુઃખ એ હતું કે, લાઈટ વિના અમારા બાળકો રાત્રે અભ્યાસ કરી શકતા નહોતા, જેથી તેમના ભવિષ્યની ચિંતા અમને સતાવતી હતી."
મુકેશભાઈ માટે સ્થાનિક તંત્રનો અભિગમ પણ ખૂબ મદદરૂપ રહ્યો. તેઓ ઉમેરે છે કે, "અમને એ ખબર નહોતી કે કાયદેસર વીજળી મેળવવા માટે કઈ કચેરીએ જવું અને કેવી રીતે અરજી કરવી. પરંતુ લોકાભિમુખ શાસનની પ્રતીતિ કરાવતા સ્થાનિક ધારાસભ્યશ્રીએ અમને સામેથી સાચું માર્ગદર્શન આપ્યું. તેમણે અમને નગરપાલિકાનો સંપર્ક કરવા સૂચવ્યું. ધારાસભ્યશ્રીની પ્રેરણાથી અમે તુરંત નગરપાલિકા કચેરીએ જઈને ’ઝૂંપડા વીજળીકરણ યોજના’નું ફોર્મ ભર્યું અને ખૂબ જ ટૂંકા સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈને અમારા ઘરે કાયમી લાઈટ આવી ગઈ. આજે મુકેશભાઈની ઝૂંપડીમાં વીજળીનો બલ્બ ઝળહળી રહ્યો છે, જે પરિવારના ચહેરા પર ખુશી લાવ્યો છે. મુકેશભાઈએ અત્યંત કૃતજ્ઞતાપૂર્વક વડાપ્રધાનશ્રીઅને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા કહ્યું કે, "સરકારશ્રીની આ સંવેદનશીલ યોજનાએ અમારા જેવા અનેક ગરીબ પરિવારોના જીવનને રોશન કર્યું છે. હવે વહેલી સવારે કે મોડી રાત્રે પણ મારા બાળકો કોઈપણ અડચણ વિના આરામથી ભણી શકશે. સરકારના આ સરાહનીય પગલાથી અમારી આવનારી પેઢીનું ભવિષ્ય પણ ચોક્કસપણે ઉજળું અને તેજસ્વી બનશે.
-----

Comments