Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામથી લૉંગ હૉલ ટ્રેનોના સંચાલનમાં જોરદાર ઉછાળો, માલ લોડિંગમાં પણ ૨.૩૨% વૃદ્ધિ

03 November



અમદાવાદ મંડળનું ઓક્ટોબર રેકોર્ડ ૨૩૬ લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન, ગયા વર્ષની સરખામણીમાં ૨૬૩% નો વધારો : એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન ૩૦ મિલિયન ટન માલનું લદાન કર્યું : ગાંધીધામ ક્ષેત્રમાં ઓક્ટોબર દરમિયાન ૨,૩૫૪.૫૫ વેગનનું સરેરાશ દૈનિક લોડિંગ : ૧૫૩ લૉંગ હૉલ ટ્રેનોની રચના : મેટ-કોકનું લોડિંગ ફરી શરૂ

ગાંધીધામ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન માલ લોડિંગ, ઓપરેશનલ કુશળતા, યાત્રી સેવાઓ, ઇન્ટરચેન્જ, લાંબી ટ્રેનો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે. મંડળે આ મહિને અનેક નવા રેકોર્ડ સ્થાપિત કરતા માલ લોડિગ તેમજ યાત્રી પરિચાલનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત, મંડળે એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ૩૦ મિલિયન ટન (૩ કરોડ ટન) માલસામાનનું લોડિંગ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઓક્ટોબર ૨૦૨૬માં અમદાવાદ મંડળ દ્વારા સરેરાશ ૩,૦૭૩.૪૨ વેગન પ્રતિદિવસ લોડ કરવામાં આવ્યા, જે ઓક્ટોબર ૨૦૨૫ના ૩,૦૧૦ વેગન પ્રતિદિનની સરખામણીમાં ૨.૧૦% વધુ છે. દરમિયાન કુલ માલ લોડિંગ ૪.૬૮૯૩ મિલિયન ટન રહ્યું, જે પાછલા વર્ષના ૪.૫૮૫૫ મિલિયન ટનની સરખામણીમાં ૨.૨૬% વધુ છે.  માલ લોડિંગથી રૂ.૬૫૫ કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી, જે ઓક્ટોબર ૨૦૨૫ની રૂ.૬૧૨ કરોડની આવકથી ૭% વધુ છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન માલ પરિવહન અને રેલવે કામગીરીમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ખાસ કરીને કચ્છના ગાંધીધામ રેલવે ક્ષેત્રમાં માલ લોડિંગ, લૉંગ હૉલ ટ્રેનો અને નવા વ્યવસાયિક અવસરોના ક્ષેત્રમાં સારું પ્રદર્શન નોંધાયું છે. ગાંધીધામ ક્ષેત્રમાં ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન સરેરાશ ૨,૩૫૪.૫૫ વેગન પ્રતિદિવસ લોડ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના ઓક્ટોબર મહિનાના ૨,૩૦૧.૧૩ વેગનની સરખામણીમાં ૨.૩૨ ટકા વધુ છે. અમદાવાદ મંડળે ઓક્ટોબર ૨૦૨૬માં કુલ ૨૩૬ લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન કર્યું હતું, જે ગયા વર્ષના ૬૫ ટ્રેનોની સરખામણીમાં ૨૬૩ ટકાનો મોટો વધારો દર્શાવે છે. આમાંથી એકલા ગાંધીધામ ક્ષેત્રમાં ૧૫૩ લૉંગ હૉલ ટ્રેનોની રચના કરવામાં આવી હતી. આ સિદ્ધિ કચ્છના માલ પરિવહન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંધીધામથી ત્રણ વર્ષથી વધુ સમયના અંતરાલ બાદ મેટ-કોકનું લોડિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. એક રેકમાં ૨,૯૨૯ ટન મેટ-કોક સનફ્લેગ આયર્ન એન્ડ સ્ટીલ કંપની, નાગપુર મંડળ માટે મોકલવામાં આવ્યો હતો. આ કામગીરીથી રેલવેને રૂ.૭૧.૭૦ લાખની આવક થઈ હતી. અમદાવાદ મંડળ દ્વારા પ્રથમ વખત કોપર સ્લેગનું લોડિંગ કરવામાં આવ્યું હતું. એપીસેઝ પોર્ટ ટર્મિનલના એપીએસએ લોડિંગ પોઈન્ટ પરથી ઓક્ટોબર દરમિયાન કુલ ૮ રેકમાં ૩૨,૭૭૩ ટન કોપર સ્લેગનું પરિવહન કરવામાં આવ્યું હતું. તેનાથી રેલવેને રૂ.૪.૦૬ કરોડની આવક પ્રાપ્ત થઈ હતી.
એપ્રિલથી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન અમદાવાદ મંડળે કુલ ૩૦ મિલિયન ટન એટલે કે ૩ કરોડ ટન માલનું લોડિંગ કર્યું છે. ઓક્ટોબર મહિનામાં માલ લોડિંગથી રૂ.૬૫૫ કરોડની આવક થઈ હતી, જે ગયા વર્ષ કરતાં ૭ ટકા વધુ છે. કચ્છના ગાંધીધામ ક્ષેત્રમાં નોંધાયેલી આ સિદ્ધિઓ કંડલા પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી થતા માલ પરિવહન માટે રેલવેની વધતી ભૂમિકાને ઉજાગર કરે છે. લૉંગ હૉલ ટ્રેનો અને માલ લોડિંગમાં થયેલો વધારો કચ્છના ઔદ્યોગિક તથા વેપારી પરિવહન માટે મહત્ત્વપૂર્ણ છે.
ઓક્ટોબર ૨૦૨૬માં અમદાવાદ મંડળે સરેરાશ ૨૨૭.૯૧ ટ્રેન પ્રતિદિવસનું ઇન્ટરચેન્જ નોંધાવ્યું, જે પાછલા વર્ષના ૨૧૧.૪૫ ટ્રેન પ્રતિદિવસની સરખામણીમાં ૭.૮% વધુ છે. આ મંડળનું અત્યાર સુધીનું સવર્શ્રેષ્ઠ માસિક પ્રદર્શન છે, જેણે સપ્ટેમ્બર ૨૦૨૬ના ૨૨૪.૫ ટ્રેન પ્રતિદિવસના પાછલા રેકોર્ડને પાછળ છોડી દીધો. 
ઓક્ટોબર ૨૦૨૬માં અમદાવાદ મંડળ દ્વારા માલ લોડિંગ, નવા વ્યવસાયિક અવસરો, ઇન્ટરચેન્જ, લૉંગ હૉલ ટ્રેનો, યાત્રી સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં નોંધવામાં આવેલી આ સિદ્ધિઓ સંચાલન કુશળતાને વધારવા, માલ અને યાત્રી સેવાઓને  ઉત્તમ બનાવવાતથા રેલવેની સેવાઓને વધુ અસરકારક, સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાની દિશામાં મંડળની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
-------

Comments

COMMENT / REPLY FROM