બોગસ વીજ મીટર કૌભાંડ : મોટા ગજાના કૌભાંડીઓને છાવરવા આંતરિક ખેલ શરુ ?
અઢીસોથી વધુ બોગસ મીટર પકડાયા પકડાઈ છતાં તપાસ માત્ર ૫૮ પર : ગોકળગાયની ગતિએ ચાલતી તપાસથી અધિકારીઓ શંકાના ઘેરામાં : વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કૌભાંડી સિન્ડિકેટ દ્વારા મુખ્ય સૂત્રધારો અને મળતિયાઓને બચાવી લેવા માટે આખી તપાસ પર પડદો પાડવાનો પ્રયાસ?
રૂપિયા ૫૦ હજારથી લાખ સુધીના બાકી લેણાં ધરાવતા વીજ ગ્રાહકોના મીટર કાઢી લેવાયા છતાં તેમના પરિસરમાં અવિરત વીજ પુરવઠો ચાલુ રહેતા ઉઠ્યા ગંભીર સવાલો : બાકીદાર ગ્રાહકોએ પીજીવીસીએલ સમક્ષ નથી કરી કોઈ નાણાંની ભરપાઈ કે નથી મેળવી હપ્તા પદ્ધતિ, છતાં વીજળી કઈ રીતે ચાલુ રહી તે મોટો તપાસનો વિષય : જવાબદારો કડક કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉભા થયા
ભુજ - કચ્છઉદય : પીજીવીસીએલ તંત્રમાં અગાઉ બહાર આવેલા બોગસ વીજમીટરના ચકચારી અને બહુચર્ચિત કૌભાંડમાં તપાસના નામે માત્ર પોકળ ધાંધિયા અને ધૂમાડો નીકળી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આંતરિક ડ્રાઈવ અને તપાસ દરમિયાન અંદાજે અઢીસોથી પણ વધુ બોગસ વીજમીટરો પકડી પાડવામાં આવ્યા હોવા છતાં, અત્યાર સુધીમાં ગણેલા માત્ર ૫૮ જેટલા કેસોની જ ફાઈલો તૈયાર કરવામાં આવી છે અને આ ફાઈલો પણ પીજીવીસીએલની જ પોલીસને તપાસ અર્થે સોંપવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે લાખો રૂપિયાની વીજચોરી અને સરકારી કૌભાંડ સાથે જોડાયેલી આ સંવેદનશીલ તપાસ અત્યંત ગોકળગાયની ધીમી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે. વીજ કંપનીના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાના ચહીતા મળતિયાઓ, વચેટીયાઓ અને મુખ્ય કૌભાંડીઓને કાયદાના શિકંજામાંથી બચાવી લેવા માટે આ સમગ્ર મામલા પર પડદો પાડવાનો ખુલ્લેઆમ અને બેશરમ પ્રયાસ થઈ રહ્યો હોવાની ભારે ચર્ચાઓ જાગી છે.
અત્રે એ બાબત ખાસ નોંધનીય છે કે ભૂતકાળમાં જે સામાન્ય કે મોટા વીજ ગ્રાહકોના પચાસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીના મોટો રકમના વીજબિલ બાકી નીકળતા હતા, તેવા ગ્રાહકો સામે પીજીવીસીએલે લાલ આંખ કરીને તેમના વીજમીટરો કડક હાથે ઉતારી લીધા હતા અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે પોતાના મીટરો કપાઈ ગયા હોવા છતાં આ તમામ બાકીદાર ગ્રાહકો આજે પણ અંધારામાં બેસવાને બદલે રાબેતા મુજબ ધમધમતો વીજ પુરવઠો મેળવી રહ્યા છે. બાકીદાર વીજ ગ્રાહકોએ પીજીવીસીએલ સમક્ષ બાકી લેણાં ભરપાઈ કરવા માટે નથી કોઈ હપ્તા પદ્ધતિની મંજૂરી મેળવી કે નથી નાણાંની ચૂકવણી કરી, છતાં તેમના પરિસરમાં અવિરત વીજળી કઈ રીતે ચાલુ રહી તે એક અતિ ગંભીર અને મોટા તપાસનો વિષય બન્યો છે. જો આ દિશામાં તટસ્થ રીતે દરોડા પાડીને તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક સ્થળોએથી બોગસ મીટરોનું મોટું નેટવર્ક અને કૌભાંડ ખુલ્લું પડી શકે તેમ છે.
વીજ તંત્રના જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સીધી મિલીભગત વગર આટલું મોટું આંતરિક કૌભાંડ આચરવું તદ્દન અશક્ય છે. જે સ્થળો પર મોટો રકમના જૂના લેણાં બાકી હતા ત્યાં પીજીવીસીએલના જ અધિકૃત કોન્ટ્રાક્ટરો, લાઈનસ્ટાફ અને વચેટીયાઓની સિન્ડિકેટ દ્વારા બારોબાર બોગસ મીટરો બેસાડી દેવામાં આવ્યા હોવાના સ્પષ્ટ અને છાપરે ચડીને પોકારતા પુરાવા વર્તાઈ રહ્યા છે. જેના કારણે એક તરફ વીજ કંપનીના ચોપડે જૂના કરોડો રૂપિયાના લેણાં વસૂલાયા વગર બાકી બોલે છે અને બીજી તરફ આ બોગસ મીટરોના જોરે વીજચોરો કોઈ પણ જાતના ડર વગર બિનબિંદાસ રીતે વીજળીનો વપરાશ કરી રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ કક્ષાએથી સ્વતંત્ર અને તટસ્થ તપાસ સમિતિની રચના કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો વીજ કંપનીના જ અનેક મોટા મગરમચ્છો અને કૌભાંડી કોન્ટ્રાક્ટરો જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે તેમ છે.
.......................
બાકીદારોના મીટર કપાયા છતાં ઘરમાં રોશની
કૌભાંડી કોન્ટ્રાક્ટરો અને વચેટીયાઓની ભૂમિકા શંકાના ઘેરામાં : જૂના લેણાં બાકી બોલે છે છતાં બારોબાર બોગસ મીટર લગાવી વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો
ભુજ : પીજીવીસીએલના ચોપડે જે ગ્રાહકોના પચાસ હજારથી એક લાખ રૂપિયા સુધીના મોટા વીજબિલ બાકી હોવાના કારણે મીટરો કાપી લેવામાં આવ્યા હતા, તેવા સ્થળો પર આજે પણ વીજળી ધમધમી રહી હોવાની વિગતોએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ગ્રાહકોએ એક પણ રૂપિયો ભર્યા વિના કે હપ્તા કરાવ્યા વિના બારોબાર વીજ પુરવઠો મેળવવાનું ચાલુ રાખ્યું હોવાથી આ આખી સિન્ડિકેટમાં પીજીવીસીએલના મળતિયા કોન્ટ્રાક્ટરો અને વચેટીયાઓની સંડોવણી ખુલ્લી પડી ગઈ છે. વીજ કંપનીના જ ભ્રષ્ટ તત્વો અને વચેટીયાઓએ મળીને બાકીદારોના સ્થળે બારોબાર બોગસ મીટરો બેસાડી દીધા હોવાથી સરકારી તિજોરીને બેવડો મોટો ફટકો પડ્યો છે. એક તરફ કરોડો રૂપિયાની જૂની વસૂલાત અટકેલી પડી છે અને બીજી તરફ બોગસ મીટરોના જોરે વીજચોરીનો ખેલ નિરંતર ચાલુ રાખવામાં આવ્યો છે.

Comments