રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં કચ્છના ૨૯ ખેલાડીઓએ મેડલ જીત્યા
ભુજ - કચ્છઉદય : દેવગઢ બારિયા ખાતે યોજાયેલી ૪૫મી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં કચ્છના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં કચ્છના કુલ ૨૯ ખેલાડીઓએ વિવિધ વયજૂથમાં દોડ, ડિસ્કસ થ્રો, ભાલાફેંક, ગોળાફેંક, હેમર થ્રો અને લાંબી કૂદ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલ પ્રાપ્ત કર્યા હતા.સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય, પોરબંદર ખાતે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ બચુભાઈ પરમારે ૫૦૦૦ મીટર ઝડપી ચાલમાં દ્વિતીય ક્રમ અને હેમર થ્રોમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હિતેશકુમાર ગોવિંદભાઈ પરમારે ૫૦૦૦ મીટર ઝડપી ચાલમાં સુવર્ણચંદ્રક, ૧૦૦ મીટર દોડમાં દ્વિતીય અને લાંબી કૂદમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. જ્યોતિ ગોહેલે ૧૫૦૦ મીટર દોડમાં તૃતીય, ડિસ્કસ થ્રોમાં તૃતીય અને ૫૦૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. નિર્મલા મહેશ્વરીએ ગોળાફેંક અને ડિસ્કસ થ્રોમાં પ્રથમ ક્રમ જ્યારે ભાલાફેંકમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. વિજયા પટેલે ગોળાફેંકમાં દ્વિતીય, ભાલાફેંકમાં પ્રથમ અને ડિસ્કસ થ્રોમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સંવતસિંહ જાડેજાએ ૫ કિલોમીટર દોડમાં દ્વિતીય અને ૫૦૦૦ મીટર ઝડપી ચાલમાં પ્રથમ ક્રમ મેળવી સફળતા મેળવી હતી. હેમલ સોલંકીએ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ અને ૨૦૦ મીટર દોડમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. પ્રવીણ આલેએ ૫૦૦૦ મીટર તથા ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. તેવી જ રીતે નર્મદાબેન મકવાણાએ ૮૦૦ મીટર દોડમાં તૃતીય ક્રમ મેળવ્યો હતો. રેખાબેન સોલંકીએ ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય તથા ૪૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જુનેદ જુણેજાએ ગોળાફેંક અને ચક્રફેંક બંને સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, જે કચ્છ માટે ગૌરવની બાબત છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં દેવગઢ બારિયાના રાજપરિવાર તરફથી મહારાજ કુશાલસિંહ અને રાજમાતા ઉર્વશીદેવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજપરિવારની ઉપસ્થિતિએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે માસ્ટર્સ એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ ફિરોજભાઈ ચીપા, જનરલ સેક્રેટરી બી.એન. પાઠક, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જોય વર્ગીસ તથા સિનિયર જોઇન્ટ સેક્રેટરી ગણેશ જજરીયાએ કચ્છના ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કચ્છના ખેલાડીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેળવેલી આ સફળતાથી રમતગમત ક્ષેત્રે જિલ્લાની પ્રતિભા ફરી એકવાર ઉજાગર થઈ છે. હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
----

Comments