Trending News
ક્રાઈમ

ગાંધીધામથી સંચાલાતી કંપનીના ૧.૦૩ કરોડના બે ટ્રક-ટ્રેલર લઈને ત્રણ કર્મચારીઓ ફરાર

30 October



વિશાખાપટ્ટનમ અને ઔરંગાબાદમાં માલની હેરાફેરી કરી જીપીએસ અને મોબાઈલ ફોન બંધ કરી દીધા : બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધાયો

ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના મુખ્ય વ્યાપારી અને આર્થિક કેન્દ્ર સમાન ગાંધીધામથી સંચાલન કરતી ટ્રાન્સપોર્ટ કંપનીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે. અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે ફેલાયેલા આ વેપારમાં કંપનીના જ બે મેન્ટેનન્સ મેનેજર અને એક ડ્રાઇવરે ભેગા મળીને રૂપિયા ૧.૦૩ કરોડની જંગી કિંમતના બે ટ્રક-ટ્રેલર બારોબાર સગેવગે કરી નાખતા માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો છે. માલિકની સ્પષ્ટ સૂચનાઓને અવગણીને આરોપીઓએ આચરેલા આ વિશ્વાસઘાતના પગલે ટ્રાન્સપોર્ટરોમાં રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મળતી વિગતો મુજબ, બોડકદેવ વિસ્તારમાં રહેતા અને અમદાવાદ તથા ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટનો ધંધો સંભાળતા આકાશ શાહની કંપનીમાં પવનકુમાર અને દલપતદાન ગઢવી નામના બે શખ્સો ટ્રાન્સપોર્ટ મેન્ટેનન્સનું કામકાજ સંભાળતા હતા, જ્યારે હનવન્તકુમાર ખેતારામ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. ગત ૫ ઓગસ્ટના રોજ રૂપિયા ૪૮.૫૦ લાખની કિંમતનું એક ટ્રક-ટ્રેલર આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી ખાતે માલ ખાલી કરવા મોકલવામાં આવ્યું હતું. આ દરમિયાન ડ્રાઇવરને પારિવારિક કટોકટી સર્જાતા તે ટ્રક ત્યાં જ મૂકીને ચાલ્યો ગયો હતો. આ ટ્રકને પરત લાવવા માટે કંપનીના માલિકે ગત ૨ સપ્ટેમ્બરે પવનકુમાર અને દલપતદાનને ઈસ્ટ ગોદાવરી મોકલ્યા હતા. આ જ અરસામાં, બીજું રૂપિયા ૫૫ લાખની કિંમતનું ટ્રક-ટ્રેલર ડ્રાઇવર હનવન્તકુમાર ગત ૯ ઓગસ્ટે ચેન્નઈ લઈને રવાના થયો હતો.કંપનીના માલિક આકાશભાઈએ આ ત્રણેય કર્મચારીઓને બંને ખાલી ટ્રક-ટ્રેલર લઈને સત્વરે ગાંધીધામ પરત આવી જવાની તાકીદ કરી હતી. પરંતુ, માલિકની આ સૂચનાને ન ગણકારતા આ ત્રણેય આરોપીઓએ એકસંપ થઈને ગાંધીધામ આવવાને બદલે મોટું કાવતરું રચ્યું હતું. તેમણે બંને ટ્રક-ટ્રેલરમાં વિશાખાપટ્ટનમથી મહારાષ્ટ્રના ઔરંગાબાદ સુધીનો નવો માલ બારોબાર ભરી લીધો હતો અને ઔરંગાબાદ ખાતે તે માલ ખાલી પણ કરી નાખ્યો હતો. ત્યાંથી ખાલી વાહનો લઈને ગાંધીધામ પરત ફરવાના બદલે આ ત્રણેય જણાએ પોતાના મોબાઈલ ફોન અને બંને વાહનોની જીપીએસ સિસ્ટમ કાયમી ધોરણે બંધ કરી દીધી હતી અને કરોડો રૂપિયાની કિંમતના વાહનો લઈને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
કંપનીના બંને વાહનો અને કરોડો રૂપિયાની કિંમતની મિલકત પોતાની માલિકીની હોવા છતાં ત્રણેય કર્મચારીઓએ ગાનસ્તીથી પોતાની પાસે રાખીને વિશ્વાસઘાત આચરતા આકાશભાઈએ કંટાળીને આખરે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. કચ્છના ટ્રાન્સપોર્ટરો માટે આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો છે, કારણ કે વાહનોનું સંચાલન સીધી રીતે ગાંધીધામથી થતું હોવાથી અને ડ્રાઇવરો તથા કર્મચારીઓની આવી બેજવાબદારીના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડતું હોય છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા ત્રણેય આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM