Trending News
સ્થાનિક સમાચાર

એસજીએફઆઈ રાજ્યકક્ષાની ખો-ખો સ્પર્ધામાં આર.ડી. વરસાણી શાળાની ઐતિહાસિક સિદ્ધિ

29 October


તૃતિય સ્થાન મેળવી કચ્છનું નામ રોશન કર્યું

ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ભુજની માતૃશ્રી આર.ડી.વરસાણી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધ્રાંગધ્રા ખાતે યોજાયેલી એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા) ખો-ખો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતભરની ૪૨ જિલ્લાઓની મજબૂત ટીમો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી શાળાની ટીમે પોતાની શ્રેષ્ઠ રમતકૌશલ્ય, ઉત્કૃષ્ટ ટીમવર્ક અને અદમ્ય જુસ્સાના બળે શાનદાર રમત રમીને રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ખો-ખોની રમતમાં રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરવાની કચ્છના રમતગમત ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હોવાનું ગૌરવ પ્રાપ્ત થતાં સમગ્ર કચ્છ પંથકમાં આનંદ અને ઉત્સાહની લહેર છવાઈ ગઈ છે. આ ઐતિહાસિક સફળતા ખેલાડીઓની કઠોર મહેનત, શિસ્ત, રમત પ્રત્યેની લગન અને માર્ગદર્શક કોચશ્રીના સચોટ માર્ગદર્શનનું પરિણામ છે.આ સિદ્ધિથી શાળાએ રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા અને ક્ષમતાનો મજબૂત ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરનાર શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ - વેકરીયા હર્ષ લાલજી અને હાલાઈ દેવાંગ ધનજીની આગામી નેશનલ કેમ્પ માટે વિશેષ પસંદગી કરવામાં આવી છે. બંને હોનહાર વિદ્યાર્થીઓની આ રાષ્ટ્રીય સ્તરની પસંદગી શાળા તેમજ સમગ્ર કચ્છ જિલ્લા માટે અત્યંત ગૌરવપ્રદ બાબત છે. રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની આ તક મળવાથી બંને ખેલાડીઓનો ઉત્સાહ બેવડાયો છે, અને શાળા પરિવારને તેમની પાસેથી ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શનની પૂર્ણ આશા છે.
વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ કચ્છી લેવા પટેલ સમાજ, ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ માવજી ગોરસિયા, ધનસુખભાઈ સિયાણી, મનજીભાઈ પિંડોરિયા, કરસનભાઈ મેપાણી, વિનોદભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે તમામ વિજેતા ખેલાડીઓને અને કોચને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા સાથે જ નેશનલ કેમ્પ માટે પસંદગી પામેલા દીકરાઓને રાષ્ટ્રીય સ્તરે શાળા અને કચ્છનું નામ રોશન કરે તે માટે શુભેચ્છા આપી હતી.
--------

Comments

COMMENT / REPLY FROM