ભુજના આરાધના ભવન જૈન સંઘમાં આસો શાશ્વતી ઓળીની આરાધનાનું સમાપન
૨૭૦ તપસ્વીઓનાં પારણાં કરાવાયાં : ૨,૭૮૪ આયંબિલની આરાધના સંપન્ન
ભુજ - કચ્છઉદય : ભુજ સ્થિત આરાધના ભવન જૈન સંઘ ખાતે આસો શાશ્વતી નવપદજી ઓળીની ધાર્મિક આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય પારણા મહોત્સવ યોજાયો હતો. તા. ૧૮ ઓક્ટોબરથી શરૂ થયેલી આ આરાધનામાં ૨૭૦ શ્રાવક-શ્રાવિકાઓએ જોડાઈને કુલ ૨,૭૮૪ આયંબિલની તપસ્યા કરી હતી. તા. ૨૬ ઓક્ટોબરે ઓળીની આરાધના પૂર્ણ થયા બાદ તા. ૨૭ ઓક્ટોબરે તમામ તપસ્વીઓનાં પારણાં કરાવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે પ.પૂ. આચાર્ય ભગવંત આનંદવર્ધન સૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. આદિ ૧૮ સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. લલિયાણા નિવાસી માતુશ્રી લીલાવંતીબેન મનસુખલાલ ગણેશભાઈ શેઠ પરિવારના લાભાર્થે યોજાયેલા આ મહોત્સવમાં દાતા પરિવારના સહયોગથી તપસ્વીઓનાં પારણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રખર પ્રવચનકાર પ.પૂ. આચાર્ય ભગવંત આત્મદર્શન સૂરીશ્વરજી મ.સા.એ તપને કર્મોની નિર્જરા કરવાનું અમોઘ સાધન ગણાવ્યું હતું. તેમણે તપસ્વીઓની ધર્મઆરાધનાને બિરદાવી હતી અને તપ દ્વારા આત્મશુદ્ધિ તથા આધ્યાત્મિક ઉન્નતિના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સાથે જ ધાર્મિક આયોજનમાં સહયોગ આપનાર દાતા પરિવારની અનુમોદના કરી હતી. મહોત્સવ દરમિયાન શ્રી સંઘ દ્વારા દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. દાતા પરિવારે પણ સંઘના સહયોગ અને સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંઘના વ્યવસ્થાપક ટ્રસ્ટી કમલભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ માનદ મંત્રી ચંદુભાઈ ગઢેચા, સંઘના હોદ્દેદારો, ટ્રસ્ટ મંડળના સભ્યો, યુવાનો તથા દાતા પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી સંઘના માધ્યમ સંયોજક વેલજીભાઈ મહેતાએ આપી હતી.
------

Comments