Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરો 

29 October


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત 

ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૩ ટકા મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ દિવાળી પૂર્વે જ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને પણ આપવા માટે માંગ કરવામાં આવી છે. મહાસંઘના અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર આર. પટેલ દ્વારા કરાયેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે મોંઘવારીના સતત વધતા બોજા વચ્ચે રાજ્યના કર્મચારીઓને પણ આર્થિક રાહત મળે તે અત્યંત આવશ્યક છે.
વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે વધતો ઘરખર્ચ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય અને અન્ય અનિવાર્ય ખર્ચાઓનો સામનો કરી રહેલા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને પણ કેન્દ્રના કર્મચારીઓની જેમ જ મોંઘવારી ભથ્થાનો લાભ સમયસર મળે તેવી સૌની પ્રબળ અપેક્ષા રહેલી છે. આગામી દિવાળીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને જો આ ૩ ટકાનો વધારો દિવાળી પહેલાં જ જાહેર કરવામાં આવે અને સમયમર્યાદામાં તેની ચુકવણી થાય, તો રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી આર્થિક રાહત સાંપડશે તેમજ તેમના પરિવારજનોમાં ઉત્સાહ અને આનંદનો સંચાર થશે. આથી, કર્મચારીઓના હિતમાં વહેલી તકે સકારાત્મક અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી નમ્ર વિનંતી મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM