ભુજ હાટકેશ મંદિરમાં દિવાળી પર્વોમાં પરોઢિયે ઉજવાતો ‘ત્રિદિવસીય મંગળા આરતી મહોત્સવ’ એટલે નગરની ચેતનાને જગાડતું નાગરત્વ !
ભુજ - કચ્છઉદય : એક સદીથી ધનતેરસની પરોઢથી દિવાળી સુધી પરોઢિયે ભુજનાં હાટકેશ મંદિરમાં ઉજવાતો આગવો ત્રિદિવસીય ‘મંગળા મહોત્સવ’ માણવો એક લ્હાવો છે. મંગળાની હોંશમાં પણ નાગરત્વનાં દર્શન થાય છે.
દિવાળી પર્વોમાં પરોઢિયે ભુજમાં હાટકેશદાદાનાં મંદિરે સૌ પ્રથમ ઘંટારવ થાય. શહેરમાં આરતીનો પહેલો ‘ડંકો’ દાદાનો વાગે છે. નાગરો દ્વારા થતી મંગળા આરતી એટલે વર્ષોથી નગરની ચેતનાને જગાડતું નાગરત્વ ! ‘પરોઢિયે મંગળા આરતીનાં દર્શને જવું છે’ ફક્ત આ વિચાર જ પરોઢે સમયસર ઉઠાડવાનું ‘એલાર્મ’ જેવું કામ કરે છે.
હવે ભુજ પાંચ નાકાંમાં સીમિત નથી રહ્યું. ભૂકંપ પછી ૫૬ કિમી.માં પથરાએલાં ભૂજ ઉપરાંત આસપાસનાં ગામોમાં વસતાં નાગર પરિવારો પણ દિવાળી પર્વો દરમિયાન પરોઢિયે પાંચ વાગ્યામાં, સજી-ધજીને હાટકેશદાદાની મંગળા આરતીનાં દર્શન કરવા પહોંચી આવે છે. આ છે ‘હોંશીલું નાગરત્વ’ ! રાજાશાહી વખતમાં હાટકેશ મંદિરનાં ઘંટનું મહત્વ હતું. એમાં પણ વહેલી સવારે હમીરસરમાં કપડાં ધોવા જતી બહેનો માટે આ ઘંટનાદ વિશેષ મહત્વનો હતો.
મોરારીબાપુ નાગર જ્ઞાતિને ‘એક વિચારધારા’ કહે છે તો ધૈર્ય છાયા નાગરોની ‘મંગળા આરતી’ને ‘ભુજના નાગરોની એક આગવી વિચારધારા’ ગણે છે. કારણ કે આ રીતે ‘ત્રિદિવસીય મંગળા મહોત્સવ’ અન્યત્ર ભાગ્યેજ ઉજવાતો હશે. હવે તો દિવાળી નિમિત્તે મંગળા આરતી બાદ મંદિરમાં નાગરો માટે ચા-નાસ્તાની મોજ પણ હાજર રહે છે. ‘હોંશ’ નાગરોનો પર્યાય છે. પ્રસંગ ભલે નાનો હોય, એની ઉજવણીમાં સાથે મોજ ભળી જાય એટલે એ ઉપડી આવે.બૃહદ કચ્છીઓને કહીએ કે ‘દીપાવલી કે દિનોમેં મંગલા આરતી નહિ દેખી તો કુછ ભી નહિ દેખા.’
અત્રે નોંધનીય છે કે, ભુજનાં ઉપલીપાળ રોડ સ્થિત હાટકેશ મંદિરમાં મંગળા આરતી પૂર્ણ થયા બાદ ઈ. ૨૦૧૭થી ભુજ હાટકેશ સેવા મંડળ ભુજનાં બીજાં હાટકેશ મંદિરમાં પણ મંગળા આરતી યોજે છે. એ રીતે એ મંદિરનું મહાત્મ્ય વધારવાનો થતો પ્રયાસ સ્તુત્ય છે. દિવાળીના દિવસોમાં નાગરોનાં ઘરમાં ઘારીરાતડાં બનાવવાની પરંપરા હતી. હવે વિસરાતી જતી આ પરંપરાને જાળવી રાખવાના પ્રયાસરૂપે ભુજ હાટકેશ સેવા મંડળ ધનતેરસે ‘ઘારીરાતડાં’ સ્પર્ધા યોજે છે અને દિવાળીની મંગળા આરતી બાદ પૂજારીનું સન્માન અને ‘સમૂહ ઘારીરાતડાં આસ્વાદ ઉત્સવ’ ઉજવે છે. મંગળા દર્શન પછી આતશબાજી અને ફાફડા-જલેબીની મજા! આવું મોજીલું છે ભુજ.
- જગદીશચંદ્ર છાયા
---------

Comments