મઢુત્રાથી ઘડૂલી-લખપત સુધી નવી ‘સરહદી સડક સમાંતર વોટર પાઈપલાઈન’ નાખવા રાપરના પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત
કચ્છના સરહદી વિસ્તારના પીવાના પાણીની સુવિધા માટે
માળિયા લાઈન અને ટપ્પર ડેમ પરનું ભારણ ઘટશે : શહેરોને વધુ પાણી મળવાની સાથે સરહદી વિસ્તારોના વિશાળ પશુધનની તરસ છીપાશે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં નર્મદાના નીરના અવતરણ થયા બાદ સમગ્ર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ ક્ષેત્રે અદ્દભૂત ક્રાંતિ આવી છે, પરંતુ ભૌગોલિક રીતે અત્યંત વિશાળ અને રણકાંઠાથી ઘેરાયેલા કચ્છના છેવાડાના અને અંતરિયાળ સરહદી ગામોમાં આજે પણ પીવાના પાણીની ટકાઉ અને કાયમી વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી છે. આ પ્રશ્નના કાયમી ઉકેલ અર્થે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા દ્વારા ચાલી રહેલા ‘પ્રજા તંત્રના પ્રશ્નો’ શ્રેણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પંકજ મહેતાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં કચ્છમાં પીવાનું પાણી મોટાભાગે માળિયા તરફથી આવતી પાઈપલાઈન વડે તેમજ કચ્છ નહેર વડે ટપ્પર તથા અન્ય ડેમો ભરીને પૂરૂં પાડવામાં આવે છે. આ ડેમો અને લાઈનો દ્વારા કચ્છના મોટા શહેરો જેવાં કે અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભુજ, મુન્દ્રા, માંડવી વગેરેને પીવાનું પાણી તેમજ ઉદ્યોગો માટે પાણી પૂરૂં પાડવામાં આવે છે તેમજ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા કચ્છ જિલ્લામાં માનવ વસ્તી અને પશુઓ માટે પાણીની જરૂરિયાત વિશેષ રહેતી હોય છે. સ્થાનિક પીવાના પાણીના સ્ત્રોત એટલા ઉપયોગી નીવડતા નથી અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાતી હોય છે, જેના ઉકેલ અને કચ્છને પીવાના પાણી માટે નર્મદા આધારિત નવા સ્ત્રોત માટે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા પાસે નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. જો આ મઢુત્રા પોઈન્ટથી નવા નિર્માણ પામેલા ઘડૂલી - સાંતલપુર રોડને સમાંતર એક મોટી ક્ષમતા ધરાવતી પીવાના પાણીની સ્પેસિફિક પાઈપલાઈન બિછાવવામાં આવે તો કચ્છને પીવાના પાણીનો એક નવો અને વધારાનો સ્ત્રોત મળશે. આ યોજના મંજૂર થવાથી કચ્છ જિલ્લાના મોટા શહેરાને વધુ પાણી આપી શકાશે.
આ સરહદી પાઈપલાઈન યોજનાથી કચ્છ જિલ્લાના ૪ તાલુકાના અનેક ગામોને સીધો લાભ મળશે. જે ગામો સરહદીય ગામો હોવા સાથે મુખ્યત્વે માનવ વસ્તી કરતા પશુ વસ્તી વધુ ધરાવે છે જે ગામોના લોકો સાથે પશુધનને પણ પુરતું પીવાનું પાણી મળી રહે છે, જેમાં રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારના સરહદી ગામો મૌવાણા, શિવગઢ, બેલા, વ્રજવાણી, ધબડા, જાટવાડા, બાલાસર, લોદ્રાણી, શીરાનીવાંઢ, ભચાઉ તાલુકાના ખડીર બેટના ગામો વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરા, જનાણ, અમરાપર, બાંભણકા, રતનપર, ગઢડા, કલ્યાણપર, ગણેશપર, ભુજ તાલુકાના સરહદી બન્ની અને ખાવડા વિસ્તારના ગામો, લખપત તાલુકાના છેક પશ્ચિમે આવેલા ઘડૂલી, વર્માનગર અને આસપાસના સરહદી ગામોને લાભ મળવા સાથે પીવાના પાણીની આ જ વિસ્તારોને હાલે ખુબ તકલીફ છે જે તકલીફ દુર થઇ શકશે.
કચ્છ માટે પાણીનો નવો સ્ત્રોત મળતા શહેરો પરનું દબાણ ઘટશે અને માલધારીઓના વિશાળ પશુધનને કાયમી ધોરણે પીવાનું શુદ્ધ પાણી મળશે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આ ગામોમાં કાયમી નળથી જળ મળવાથી ગ્રામજનોનું પલાયન અટકશે અને સરહદી વસવાટ મજબૂત બનશે. સરહદ પર તૈનાત બીએસએફ અને સુરક્ષા બળોની ચેકપોસ્ટોને પણ શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ બનશે. ઉનાળામાં થતા ટેન્કરના કરોડો રૂપિયાના ખર્ચમાંથી સરકારને મુક્તિ મળશે. ઘડુલી-સાંતલપુર માર્ગનો‘ રાઈટ ઓફ વે’ ઉપલબ્ધ હોવાથી પાઈપલાઈન નાખવાનું કામ ખૂબ જ ઝડપથી અને ઓછા ખર્ચે પૂર્ણ થઈ શકશે.
પંકજભાઈ મહેતાએ કચ્છના છેવાડાના માનવીની સુખાકારી, પશુધનની રક્ષા અને સરહદી જળ સુરક્ષાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી દ્વારા આ ૨૬૭થી વધુ કિલોમીટરની ‘સરહદી સડક સમાંતર પાઈપલાઈન યોજના’નો ટેકનિકલ સર્વે કરાવી આ યોજનાની મંજૂરી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.
-----

Comments