Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સિટી કાઉન્સિલની કારોબારી સમિતિની રચના

16 October


શહેરના મહત્વના પ્રશ્નો અંગે સામુદાયિક રીતે કામગીરી કરવા ભુજ સીટી કાઉન્સિલ કટિબદ્ધ

ભુજ - કચ્છઉદય : શહેરના વિવિધ નાગરિક પ્રશ્નોને ઓળખી, તેના ઉકેલ માટે સામુદાયિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાના હેતુથી રચાયેલી ‘ભુજ સિટી કાઉન્સિલ’ દ્વારા પ્રતિનિધિઓની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. ભુજના વિવિધ વોર્ડના સક્રિય નાગરિકો, આગેવાનો અને વિષય નિષ્ણાતોને સાથે લઈને રચાયેલી આ નાગરિક પહેલ શહેરના પ્રશ્નો અંગે ચર્ચા, સંવાદ અને સામુદાયિક રીતે ઉકેલ શોધવાની દિશામાં કામગીરી કરશે.
યોજાયેલી બેઠકોમાં ભુજના ૧૧ વોર્ડમાંથી સક્રિય નાગરિકોને જોડીને ‘ભુજ સિટી કાઉન્સિલ’ની સામાન્ય સભા રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે અનુસંધાને પ્રતિનિધિઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભુજની વિજયરાજજી લાઈબ્રેરી ખાતે ચર્ચા અને સર્વસંમતિના આધારે કાઉન્સિલના વિવિધ હોદ્દાઓ માટે પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી છે.
ભુજ સિટી કાઉન્સિલમાં પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય (વોર્ડ ૭), ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન ગોર (વોર્ડ ૨) અને ભૂમિકાબેન ત્રિવેદી (વોર્ડ ૮), સચિવ તરીકે દિપકભાઈ ચૌહાણ અને કાસમભાઈ કુંભાર (વોર્ડ ૩), માનદ સચિવ તરીકે અશોકભાઈ પટેલ (વોર્ડ ૧૧) અને હર્ષલબેન ગોર (વોર્ડ ૧૦) તથા ખજાનચી તરીકે અનિલભાઈ ગોર (વોર્ડ ૭)ની પસંદગી કરવામાં આવી છે. કારોબારી સમિતિમાં ભાણબાઈ મહેશ્વરી (વોર્ડ ૧), રાજેશભાઈ વાઘેલા, કુસુમબેન વાઘેલા અને ધનજીભાઈ વઢીયારા (વોર્ડ ૨), દિપકભાઈ ભીલ (વોર્ડ ૪), મોહસીનભાઈ લાહેજી (વોર્ડ ૫), હર્ષદભાઈ ગોહિલ (વોર્ડ ૬), નિતાબેન ગોસ્વામી (વોર્ડ ૭), બિંદીબેન ભાટી (વોર્ડ ૮), હસ્તીનભાઈ આચાર્ય (વોર્ડ ૯), પ્રફુલભાઈ ગોર (વોર્ડ ૧૦) તેમજ શ્યામભાઈ ભાનુશાલી, દિલીપભાઈ જોશી અને કલ્પનાબેન ચોથાણી (વોર્ડ ૧૧)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ૨૨ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.
સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે ભુજના સર્વાંગી વિકાસમાં સમિતિ સક્રિય કાર્યપ્રણાલી અપનાવીને કાર્ય કરશે તેવી ખાતરી આપી હતી. બેઠક દરમિયાન ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાશાસ્ત્રી અરુણભાઈ વચ્છરાજાનીએ ભુજ શહેરના કેટલાક મહત્વના અને લાંબા સમયથી ચર્ચામાં રહેલા નાગરિક પ્રશ્નો તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે આ પ્રશ્નો અંગે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી અને અનુસરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને રાજેન્દ્ર બાગની યોગ્ય જાળવણી અને સંભાળ, કૃષ્ણાજી પુલના સમારકામ, લેકવ્યૂ હોટલ નજીકની દુકાનો શરૂ કરવાના પ્રશ્ન, તેમજ ભુજ શહેરમાં સિટી બસ સેવા શરૂ / સુવ્યવસ્થિત રીતે કાર્યરત થાય, ઓપન એર થિયેટરનો પુનઃઉપયોગ, માધાપર પુલનું સમારકામ તેમજ રીજનલ કમિશનરની કચેરી રાજકોટને બદલે ભુજમાં હોવી જોઈએ એ સહિતના મુદ્દા ભુજના નાગરીકો તરફથી સૂચવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. ‘ભુજ સિટી કાઉન્સિલ’ આગામી સમયમાં એક સલાહકાર સમિતિનું ગઠન કરી ભુજના મહત્વના નાગરિક પ્રશ્નોને પ્રાથમિકતા આપી સંબંધિત વિભાગો, નગરપાલિકા અને નાગરિકો વચ્ચે સંવાદ અને સંકલન દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસ કરશે તેવું અખબારી યાદીમાં જણાવાયું હતું.
---

Comments

COMMENT / REPLY FROM