Trending News
સ્થાનિક સમાચાર

આરાધના ભવન જૈન સંઘ ભુજમાં ત્રિદિવસીય ધર્મચક્ર તપોત્સવનું સમાપન કરાયું

09 October


ભુજ-કચ્છઉદય : આરાધના ભવન જૈન સંઘ  ભુજના આંગણે અને ઉપક્રમે અ. યોગી પ. પૂ. આ. ભ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટ પ્રભાવક, પ્રવર્તમાન શુદ્ધવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. કલ્પતરુ સૂરીશ્વરજી મ. સા. ના આશીર્વાદ અને અનુજ્ઞાથી, આત્મ સાધક પ. પૂ. આ. દેવ આનંદવર્ધન સૂરીશ્વરજી મ. સા. ; પ્રવચન પ્રભાવક પ. પૂ. આ. ભ. આત્મદર્શનસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા-૧૮ ની પાવન નિશ્રામાં યોજાયેલ ત્રિદિવસીય ધર્મચક્ર તપોત્સવનું સમાપન કરાયું હતું.
વિવિધ દાતાઓના સહયોગથી તા. ૬-૧૦ થી ૮-૧૦ સુધી જારી રહેલ આ તપોત્સવનો શુભારંભ ધર્મચક્ર પૂજન સાથે કરાયો હતો. તા. ૭-૧૦ના રોજ ધર્મચક્ર તપના તપસ્વી રત્નોનું સામૂહિક પુંજનું સકળ શ્રીસંઘની સામૂહિક સાંજી તેમજ આરાધના ભવન જૈન સંઘ ભુજની ચોવિહાર ભક્તિ આદિ અનુષ્ઠાનો યોજાયા હતા.
અંતિમ ચરણમાં તા. ૮-૧૦ના મંગલ પ્રભાતે સંભવનાથ જિનાલયેથી તપસ્વી રત્નોની શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો. જેમાં વિવિધ પ્રકારની બેન્ડ, શણગારેલ બગી, રથ, પૂ. ગુરુદેવના કટ આઉટ્‌સ વિગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે પૂર્ણ થયે તપસ્વી રત્નોનો પારણા મહોત્સવ યોજાયો હતો. જેમાં સકળ શ્રીસંઘે તપસ્વી રત્નોને અંતરના ઉમળકાથી વધાવ્યા હતા અને પારણા કરાવ્યા હતા.ત્યારે તપસ્વી અમર રહો ના ગગન ભેદી નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું .આ તકે સવારની નવકારશી તથા બપોરના  તપગચ્છ જૈન સંઘ ભુજનું સ્વામી વાત્સલ્ય વગેરે અનુષ્ઠાનો યોજાયા હતા. આગળના ચરણમાં તપસ્વી રત્નોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેનો લાભ વિવિધ દાતાઓએ લીધો હતો અને તપસ્વી રત્નો નું કેશર તિલક બદલા  દ્રવ્ય-શ્રીફળ-માળા, અને શાલથી અભિવાદન તેમજ ચરણ પ્રક્ષાલન અને અક્ષતથી વધામણા કરાયા હતા અને સાંજનું શ્રીસંઘ જમણ કરાયું હતું. આ અવસરે તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન પ. પૂ. આ. મ. રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. તેમના શિષ્યવૃંદ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આ ધર્મચક્ર તપમાં કુલ ૭૭ આરાધકો જોડાયા હતા અને ૮૨ દિવસની સાધના કરી હતી.
આ ત્રિદિવસીય તપોત્સવને સુપેરે પાર પાડવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતાના નેતૃત્વમાં, માનદ્‌ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, હોદ્દેદારો, ટ્રસ્ટ મંડળના સભ્યો, સમાજ તથા મંડળના યુવાનો, મહિલાઓ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સંઘના વડિલ દલીચંદભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેવું માનદ્‌ મંત્રી ચંદુભાઈ ગઢેચા તથા મીડિયા કન્વીનર વેલજીભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.
-------

Comments

COMMENT / REPLY FROM