ભુજમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો
૫૦થી વધુ નાગરીકોને ડિજિટલ ફ્રોડથી બચવા માર્ગદર્શન અપાયું
ભુજ - કચ્છઉદય : ભુજ ખાતે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ગુનાઓ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ’સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાની સૂચના તથા પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર ડી. જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડક્વાર્ટર ભુજ સ્થિત જિલ્લા તાલીમ ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પો.સ.ઇ. પી. આર. જાદવ અને ટેકનિકલ ઓફિસર ડી. આર. કટારિયાએ ઉપસ્થિત લોકોને સાયબર સુરક્ષા અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. રતડા, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ, વિધુત નિરીક્ષક કચેરીના સિનિયર ક્લાર્ક એમ. આઇ. બાયડ તેમજ હાસ્ય પરિવાર સંઘ ભુજના વરિષ્ઠ નાગરિકો સહિત ૫૦થી વધુ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વર્તમાન સમયમાં વિડીયો કોલ મારફતે થતા ડિજિટલ અરેસ્ટ અને બેંકિંગ ક્ષેત્રે થતા નાણાકીય ફ્રોડથી બચવાના ઉપાયો વિશે ખાસ સમજ આપવામાં આવી હતી. જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરવા અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર જઈને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા અપીલ કરાઈ હતી.
પોલીસ વિભાગ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે બેંકના નામે આવતા અજાણ્યા ફોન પર પોતાની અંગત માહિતી, ઓટીપી, સીવીવી કે ગુપ્ત પિન ક્યારેય શેર ન કરવો. ગૂગલ કે ફેસબુક પરથી મેળવેલા અનઅધિકૃત કસ્ટમર કેર નંબર પર ભરોસો ન રાખવો અને માત્ર ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવો. આ ઉપરાંત ઓનલાઇન ટ્રેડિંગ, અજાણ્યા ક્યૂઆર કોડ સ્કેન કરવા, ટૂંકા ગાળાની ઇન્સ્ટન્ટ લોન એપ્સ ડાઉનલોડ કરવા અને વેરિફિકેશન વગર નાણાકીય લેવડ-દેવડ કરવાથી દૂર રહેવા જણાવાયું છે. યુપીઆઈ પિન માત્ર નાણાં મોકલવા માટે જ વપરાય છે, નાણાં મેળવવા માટે પિન એન્ટર કરવાની જરૂર હોતી નથી તે બાબતે પણ ખાસ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું હતું.
--------

Comments