૧૪ વર્ષના કિશોર સાથે કુકર્મ આચરનારા નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદ
દયાપરના શખ્સે કારમાં જાતીય શોષણ કરી અશ્લીલ વીડિયો બનાવી કર્યો હતો બ્લેકમેઈલ : પોક્સો કૉર્ટે ૫૦ હજારનો દંડ અને પીડિતને ૩ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો
ભુજ - કચ્છઉદય : લખપત તાલુકાના દયાપર ગામે ૧૪ વર્ષના માસૂમ કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી, તેના અશ્લીલ ફોટા-વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શોષણ કરવાના ગંભીર ગુનામાં ભુજની પોક્સો કૉર્ટે દયાપરના હવસખોર યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
ઘટનાની વિગત મુજબ, નવેમ્બર ૨૦૨૪માં દિવાળી વેકેશન દરમિયાન પીડિત કિશોર પોતાના મિત્રના ઘરે દયાપર આવ્યો હતો. તે વેળાએ મિત્રનો સગો કાકો મનસુખ ભગવાનભાઈ બારૈયા બંને બાળકોને કબૂતર બતાવવાની લાલચ આપી પોતાની કારમાં બેસાડી મોરગરની સીમમાં નિર્જન વગડામાં લઈ ગયો હતો. ત્યાં તેણે કારની પાછલી સીટમાં કિશોર સાથે કુકર્મ આચર્યું હતું. ત્યારબાદ તેના ફોટા અને વીડિયો ઉતારી વાયરલ કરવાની તથા મારી નાખવાની ધમકી આપીને તેને અવારનવાર બ્લેકમેઈલ કરી જાતીય શોષણ કરતો હતો.
આ મામલે ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે આરોપી મનસુખ બારૈયા સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ તળે કેસ દાખલ કર્યો હતો. તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટરે ત્વરિત તપાસ હાથ ધરી ૩૦ દસ્તાવેજી પુરાવા અને ૧૪ સાક્ષીઓ સાથે કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓને ધ્યાને રાખી વિશેષ જજ એમ.એફ. ખત્રીએ આરોપી મનસુખને પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત અન્ય કલમ હેઠળ ૧ વર્ષની કેદ અને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે પીડિત બાળકને થયેલા અન્યાય સામે સહાનુભૂતિ દર્શાવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને પીડિતને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
-----------

Comments