Trending News
સ્થાનિક સમાચાર

રાષ્ટ્રીય ચેન્જમેકર્સ મીટમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાનું સન્માન

09 October



બિદડા - કચ્છઉદય : વડોદરા સ્થિત સમન્વય પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતના એકતાનગર ખાતે આવેલા ગુજરાત સહકાર ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દ્વિતીય રાષ્ટ્રીય ચેન્જમેકર્સ મીટ અને ચેન્જમેકર એવોર્ડ્‌સ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશનાં ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પાયાના સ્તરે સામાજિક પરિવર્તન માટે કાર્યરત ૫૧ ચેન્જમેકર્સ એક મંચ પર એકત્રિત થયા હતા.
આ કાર્યક્રમમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિજયભાઈ છેડાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીઅ. વિડીયો કોન્ફેરેન્સ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે સમાપન અને એવોર્ડ સમારોહમાં ઝાયડૅક્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અજય રંકા ઉપસ્થિત રહ્યા હતા.
વિજયભાઈ છેડાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી બિદડા સર્વોદય ટ્રસ્ટની ૫૩ વર્ષ લાંબી સેવાયાત્રા, આરોગ્યસેવાના વિવિધ પ્રકલ્પો અને માનવકલ્યાણ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી. કચ્છના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત બિદડા જેવા ગામમાંથી શરૂ થયેલી સેવાપ્રવૃત્તિઓ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્યસુવિધાઓ પહોંચાડવાના ટ્રસ્ટના પ્રયાસો વિશે જાણીને ઉપસ્થિત મહાનુભાવો અને ચેન્જમેકર્સ પ્રભાવિત થયા હતા. ટ્રસ્ટની લાંબા સમયથી ચાલતી માનવસેવા, સમર્પણ અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓએ ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક પરિવર્તન લાવવાની શક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કર્યું હતું.
બિદડા સર્વોદય ટ્રસ્ટ પાંચ દાયકાથી વધુ સમયથી આરોગ્યસેવા અને સામાજિક કલ્યાણના ક્ષેત્રે કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારો સહિત જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો સુધી તબીબી સેવાઓ પહોંચાડવામાં આવે છે. ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓમાં નિઃશુલ્ક તથા રાહતદરે સારવાર, આંખ અને દાંતની સેવાઓ, વિવિધ રોગોના નિદાન અને સારવાર માટેના તબીબી કેમ્પ, પુનર્વસન સેવાઓ અને અન્ય આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટનું ધ્યેય સમાજના છેવાડાના વ્યક્તિ સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પહોંચાડવાનું અને માનવસેવા દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. વિજયભાઈ છેડાએ રજૂઆત દરમિયાન ટ્રસ્ટના સેવાકીય અભિગમ, સમાજ પ્રત્યેની જવાબદારી અને સતત વિસ્તરતી પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ટ્રસ્ટની ૫૩ વર્ષની સેવાયાત્રાએ સાબિત કર્યું છે કે નિષ્ઠા, સમર્પણ અને સામૂહિક સહયોગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાપક સામાજિક અસર ઊભી કરી શકાય છે. ૨૮ રાજ્યોના ૫૧ ચેન્જમેકર્સ એક મંચ પર ચાર દિવસીય રાષ્ટ્રીય મીટમાં માનવ તસ્કરી સામેના પ્રયાસો, સંસ્કૃત ભાષાનો પ્રચાર, શિક્ષણ, આદિવાસી કલ્યાણ, સૈનિક કલ્યાણ, કૌશલ્ય વિકાસ, સુશાસન, ગ્રામ્ય વિકાસ, પર્યાવરણની ટકાઉક્ષમતા, યુવા વિકાસ, કચરા વ્યવસ્થાપન, કલા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ચેન્જમેકર્સે પોતાના અનુભવો અને સફળ પ્રયાસો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં પ્રેરણાદાયી પ્રેઝન્ટેશન, સંવાદાત્મક વર્કશોપ, જ્ઞાનની આપ-લે અને ચેન્જમેકર એવોર્ડ્‌સનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વોત્તર ભારતનાં મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને આસામ સહિતનાં રાજ્યોના પ્રતિનિધિઓની ભાગીદારીએ આ રાષ્ટ્રીય મંચને વધુ વ્યાપક બનાવ્યો હતો. “પ્રેમ, સેવા અને સહયોગ”ના મંત્ર સાથે બિદડા સર્વોદય ટ્રસ્ટ સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્યસેવા પહોંચાડવા અને માનવકલ્યાણ માટે સતત કાર્યરત છે. ટ્રસ્ટની ૫૩ વર્ષની સેવાયાત્રા સમાજસેવા, સમર્પણ અને લોકકલ્યાણની ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. 
---------

Comments

COMMENT / REPLY FROM