કચ્છ સહીત ગુજરાતના ધાર્મિક - પ્રવાસન સ્થળોએ નવરાત્રી પર્વની ઉજવણી કરાશે
ટોચના ૧૦ જિલ્લાઓમાં કચ્છ ,અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલનો સમાવેશ
ગાંધીનગર : નવરાત્રિ ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખનું પ્રતિબિંબ છે. માતાજીના પવિત્ર દેવસ્થાનોમાં ગુંજતા ભક્તિના જયઘોષ, સંગીતના સૂર અને ગરબાની રમઝટ સાથે ગુજરાતમાં નવરાત્રિનો ઉલ્લાસ છવાઇ જાય છે. રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીનાં દેવસ્થાનો વર્ષભર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન આ ધાર્મિક સ્થળો ભક્તિ, લોકસંસ્કૃતિ, સંગીત અને ગરબાની અદભુત ઊર્જાથી જીવંત બની ઊઠે છે. ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીનાં દેવસ્થાનો તથા શક્તિપીઠો આધ્યાત્મિક પરંપરાના આધારસ્તંભ છે. નવરાત્રીના પર્વ દરમિયાન આ ધાર્મિકસ્થળો અનેરી આધ્યાત્મિક ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય અને લોકભાગીદારી સભર બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યના કુલ ૯ દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે તેમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જણાવાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે તા. ૧૧ ઓક્ટોબર અને મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે તા. ૧૨ ઓક્ટોબરના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૭ માતાજીનાં દેવસ્થાનો ખાતે પણ નવરાત્રી નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત મહેસાણા જિલ્લાના શ્રી ઉમિયા માતા મંદિર-ઉંઝા ખાતે તા. ૧૩ ઓક્ટોબર, કચ્છના શ્રી આશાપુરા માતાજીના મઢ ખાતે તા. ૧૪ ઓક્ટોબર, સુરેન્દ્રનગરના શ્રી ચામુંડા માતા મંદિર-ચોટીલા ખાતે તા. ૧૫ ઓક્ટોબર, પંચમહાલના શ્રી મહાકાળી મંદિર-પાવાગઢ ખાતે તા. ૧૬ ઓક્ટોબર, અમદાવાદના શ્રી ભદ્રકાળી મંદિર ખાતે તા. ૧૭ ઓક્ટોબર, દેવભૂમિ દ્વારકાના શ્રી હરસિદ્ધ માતા મંદિર ખાતે તા. ૧૮ ઓક્ટોબર તથા મહેસાણાના શ્રી મોઢેશ્વરી માતા મંદિર-મોઢેરા ખાતે તા. ૧૯ ઓક્ટોબરના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ નવરાત્રી પર્વ દરમિયાન તા. ૧૨ ઓક્ટોબરના રોજ બહુચરાજી-મહેસાણા ખાતે પ્રસિદ્ધ ગાયક શ્રી અરવિંદ વેગડા તથા તા. ૧૯ ઓક્ટોબરના રોજ શ્રી મોઢેશ્વરી માતા મંદિર-મોઢેરા ખાતે ગાયિકા સુશ્રી હિમાલી વ્યાસ નાયકની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય સાત દેવસ્થાનો ખાતે પણ વિવિધ જાણીતા ગાયક કલાકારોની ઉપસ્થિતિમાં ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ માણી શકશે. નોંધનીય છે કે, ‘આતિથ્યમ’ ટૂરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડના આંકડા પણ રાજ્યના ધાર્મિક પ્રવાસનની આ લોકપ્રિયતાને ઉજાગર કરે છે. રાજ્યના ટોચના ૧૦ પ્રવાસન સ્થળોમાં અંબાજી માતા મંદિર, પાવાગઢ અને બહુચરાજી મંદિરનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ટોચના ૧૦ પ્રવાસન જિલ્લાઓમાં અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે

Comments