રાજ્યના શિક્ષણ વિભાગમાં વર્ગ-૨ના અધિકારીઓની સામુહિક બદલીઓ
કચ્છ જિલ્લામાં પણ મહત્વના ફેરફાર : શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી અનુકૂળતા ખાતર ૬૩ અધિકારીઓની બદલી-ફેરબદલ : કચ્છના ચાર અધિકારીઓની બદલી અને નિમણૂક કરાઈ
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટી અનુકૂળતાને ધ્યાને રાખીને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ (વહીવટી શાખા)ના કુલ ૬૩ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને કામગીરીમાં ફેરફારના હુકમો કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યભરમાં આ વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગમાં કેટલીક મહત્વપૂર્ણ બદલીઓ અને નિમણૂકો કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં થયેલા ફેરફારો અંગે વિગતવાર વાત કરીએ તો, સરકારી હાઈસ્કૂલ ભીમાસર (ભૂ)ના આચાર્ય કૃતિબેન નવીનભાઇ ભટ્ટીની સરકારી હાઇસ્કુલ ભીમાસર (ચ), તાલુકો અંજાર ખાતે આચાર્ય તરીકે બદલી કરવામાં આવી છે. તે જ રીતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુરન (તાલુકો ભુજ)ના આચાર્ય પુષ્પાબેન એ. મારવાડાની સરકારી માધ્યમિક શાળા મખણા (તાલુકો ભુજ) ખાતે આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત, સરકારી માધ્યમિક શાળા ઝુરા (તાલુકો ભુજ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ ગંભીરસિંહ વાઘેલાની બદલી કરીને તેમને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (કચ્છ-અંજાર) ખાતે શિક્ષણ નિરીક્ષક તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. જ્યારે અન્ય જિલ્લામાંથી બદલી પામીને આવેલા ગંભીરસિંહ બી. ઝાલા, જેઓ સાબરકાંઠા જિલ્લાના મોવતપુરા ખાતે આચાર્ય તરીકે સેવા આપતા હતા, તેમને કચ્છ જિલ્લાના માંડવી તાલુકાની આર.એમ.એસ.એ. માધ્યમિક શાળા પીપરી ખાતે નવા આચાર્ય તરીકે મૂકવામાં આવ્યા છે.
---------

Comments