પાવરપટ્ટીની કેબલ ચોર ત્રિપૂટીને માધાપર પોલીસે કરી જેલ હવાલે
સુમરાસર અને લોરિયાના ત્રણ શખ્સો મોડી રાત્રે પકડાયા : ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરનારા ચોરોની કડક ઉલટતપાસ શરૂ
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના બોર પરથી કિંમતી કોપરના વાયર કાપી જઈ આતંક મચાવનારી કેબલ ચોર ગેંગની માધાપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. પાવરપટ્ટીના લોરીયા ગામની પૂર્વ સીમ વિસ્તારમાં આવેલી ખેડૂત રમેશભાઈ મોહનલાલ ભાનુશાલી સહિતના ખેડૂતોની વાડીઓમાંથી બોરની મોટરના રૂ. ૭૩,૪૩૦ની કિંમતના કોપર વાયરની ચોરી અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરનારા આ તસ્કરોને ઝડપી પાડવા માટે માધાપર પોલીસના ઈનચાર્જ પીઆઈ એ. ડી. ખાંટના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી સઘન તપાસ વચ્ચે એએસઆઈ નીરવભાઈ ડામોરે મોડી રાત્રે સફળ ઓપરેશન પાર પાડી ત્રણ ચોરોને અટકાયતમાં લીધા છે.પોલીસના પંજામાં સપડાયેલા તસ્કરોમાં સુમરાસરના અલીમામદ ગફુર શેખ (ઉ.વ. ૨૫) અને રિઝવાન સુલેમાન કાસમ સમેજા (ઉ.વ. ૨૦) તથા લોરિયાના હનુમાનનગર વિસ્તારમાં રહેતા ઉમર ગુલમામદ ધોધા (ઉ.વ. ૨૧)નો સમાવેશ થાય છે. રાત્રિના અંધારામાં ખેતરોમાં ઘૂસીને કેબલ કાપી જતી આ તસ્કર ટોળકી ઝડપાઈ જતા પાવરપટ્ટીના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં માધાપર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની આકરા મોડમાં ઉલટ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ખાખીના કડક સકંજા હેઠળ ચાલી રહેલી આ પૂછપરછમાં પાવરપટ્ટી અને આસપાસના વિસ્તારોમાં અગાઉ આચરવામાં આવેલી અન્ય કેબલ ચોરીઓના ભેદ પણ ઉકેલાય તેમજ ચોરીનો મુદ્દામાલ રિકવર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
........................
હનુમાનનગરના મંદિરોમાં થયેલી લાખોની ચોરીનો ભેદ સાડા ચાર વર્ષે પણ અકબંધ
ભુજ : હનુમાનનગર વિસ્તારમાં તસ્કરોએ વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં ધાર્મિક સ્થાનોને નિશાન બનાવીને ભારે સનસનાટી મચાવી દીધી હતી. જાલ્પા માતાજીના મંદિર સહિત આસપાસના અન્ય મંદિરોમાંથી સોના-ચાંદીના મૂલ્યવાન આભૂષણો, પૂજાપાની કિંમતી સામગ્રી અને પવિત્ર મૂર્તિઓની તસ્કરોએ ચોરી કરી હતી.
આ ઉપરાંત લોરિયામાં આવેલા પરમેશ્વર દાદાના મંદિરમાંથી પણ દિવ્ય પ્રતિમા સાથે આશરે સાડા ત્રણ કિલો જેટલું વજન ધરાવતું ચાંદીનું સિંહાસન અને મૂર્તિ સહિત અન્ય ધાર્મિક દાગીનાઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક ભાનુશાલી સમાજ તેમજ સમગ્ર ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ બાબતે માધાપર પોલીસ મથકે ઉગ્ર રજૂઆતો કરવા સાથે વિશાળ રેલી યોજીને લડત પણ ચલાવવામાં આવી હતી. આમ છતાં ફેબ્રુઆરી ૨૦૨૨થી લઈને ઓક્ટોબર ૨૦૨૬ સુધીના સાડા ચાર વર્ષ કરતા પણ વધુ સમયનો લાંબો ગાળો વીતી ગયો હોવા છતાં આ બહુચર્ચિત મંદિર ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

Comments