પશ્ચિમ કચ્છ એલસીબીનો મોટો સપાટો ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી આચરતી ટોળકીનો પર્દાફાશ : પાંચ આરોપીઓ ઝડપાયા
એક કિલો અસલી સોનું, ૧૫ ડુપ્લિકેટ ગોલ્ડ બિસ્કિટ, કાર, બાઇક અને મોબાઇલ સહિત ૧.૬૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
પશ્ચિમ કચ્છ એસપી શ્રી સુંડાની ચીટ્ટર તત્ત્વો સામે વધુ એક લાલઆંખ : એલસીબીના પીઆઈ શ્રી મક્વાણાની ટીમની પણ સમયસૂચકતા સરહાનીય : ચીટરો ફાવે અને અજાણ વ્યક્તિને શીશામાં ઉતારે તે પહેલાં દોઢ કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચીટર શખ્સોને દબોચી લીધા
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી નિર્દોષ લોકોને ઠગતી શાતિર ટોળકી સામે સ્થાનિક ગુના શાખાએ કડક કાર્યવાહી હાથ ધરીને મોટો પર્દાફાશ કર્યો છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચના અને એલસીબી પીઆઇ શ્રી મકવાણાની કડક આગેવાની હેઠળ પોલીસે સફળ કામગીરી કરીને આ ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા પાંચ આરોપીઓ સુલતાન સુલેમાન કુંભાર, સાજિદ સુલેમાન કુંભાર, અસગર સુલેમાન કટિયાર, બસીર હસન કટિયાર અને ફહીમ સોઢાની ધરપકડ કરવામાં આવી છે. શાતિર આરોપીઓ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવીને કસ્ટમમાંથી ઓછા ભાવે સોનું મળ્યું હોવાની ખોટી જાહેરાતો તથા ફોટા શેર કરતા હતા. ત્યારબાદ સોનું ખરીદવામાં રસ દાખવનાર લોકોને સંપર્કમાં લઈને શરૂઆતમાં એકાદ અસલી સોનાનું બિસ્કિટ બતાવી વિશ્વાસમાં લેતા હતા અને પૈસા પડાવી લીધા બાદ ડમી તેમજ નકલી ગોલ્ડ બિસ્કિટ પધરાવી દઈ છેતરપિંડી આચરતા હતા.ચોક્કસ બાતમી અને ટેકનિકલ તપાસના આધારે એલસીબીની ટીમે આ ટોળકી જ્યારે અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિને પોતાની જાળમાં ફસાવી છેતરવાની તૈયારી કરી રહી હતી ત્યારે જ દરોડો પાડીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા હાથ ધરાયેલી સર્ચ કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી ૧ કિલો અસલી સોનું, ૧૫ ડુપ્લિકેટ ગોલ્ડ બિસ્કિટ, ૧ ક્રેટા કાર, ૩ ટુ-વ્હીલર અને ૯ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧,૬૨,૪૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મોડસ ઓપરેન્ડી હેઠળ અગાઉ પણ અનેક ગુના આચરાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. હાલ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાહિત સિન્ડિકેટના અન્ય તાર મેળવવા માટે કાયદેસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments