કન્યા વિદ્યામંદિર - કન્યા રતનધામમાં વાર્ષિક શરદોત્સવની ઉજવણી
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર - કન્યા રતનધામ મધ્યે વાર્ષિક શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૬થી ૧૨ની દીકરીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લઈ પોતાની કલા, પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પધારેલ ટ્રસ્ટીઓ અને મહેમાનોનું દીકરીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સમાજના જ્ઞાતિજનો, વાલીઓ અને દીકરીઓમાં સામાજિક જાગૃતિ તથા સકારાત્મક સંદેશનો સંચાર થાય તેવા ઉમદા હેતુથી દીકરીઓ દ્વાર ૧૧ કૃતિઓ, ગીત, નૃત્ય અને નાટકના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓમાં યોગનું મહત્વ સમજાવતી ‘યોગ’, મોબાઇલના દુરુપયોગ અને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તથા માતા-પિતાની જાગૃતિ દર્શાવતી ‘સાયબર ક્રાઇમ’, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યોગ્ય ઉપયોગના ફાયદા અને દુરુપયોગના ગેરફાયદા સમજાવતી ‘એઆઈ’, પ્રકૃતિનાં પાંચ તત્વો વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી અને આકાશનું સંતુલન જાળવી પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ આપતી ‘પંચતત્ત્વ’ તથા નારીશક્તિની તાકાત, સાહસ અને વીરતા પ્રદર્શિત કરતી ‘યોદ્ધા’ અને ‘રક્તબીજ’ જેવી કૃતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. લાઇવ સંગીતવૃંદના સંગાથે દીકરીઓએ આપેલી મનમોહક પ્રસ્તુતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દરેક કૃતિમાં દીકરીઓની અથાગ મહેનત, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને કલાત્મક અભિવ્યક્તિની સુંદર ઝલક જોવા મળી હતી.
આ પ્રસંગે સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, યુવક સંઘના પ્રમુખ જયંતીભાઈ વેકરીયા, ટ્રસ્ટી નાનજીભાઈ પિંડોરિયા, પ્રેમજીભાઈ હાલાઇ, મેઘજીભાઈ ખેતાણી, લક્ષ્મણભાઈ રાઘવાણી, કરસનભાઈ મેપાણી, શિવજીભાઈ છભાડીયા, કાન્તાબેન વેકરીયા, કસ્તુરબેન ગોરસિયા તથા ત્રણેય પાંખના ટ્રસ્ટીઓ અને અમદાવાદ સમાજ વતી ઈશ્વરભાઈ પુંજાણી વિશેષ ઉપસ્થિત રહી દીકરીઓને પ્રોત્સાહન આપેલ શાળાના આચાર્ય, ગૃહમાતા તથા સમગ્ર ગુરુજનોના સહયોગ - સહકાર અને અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------

Comments