ધોળાવીરાને કેટેગરી - એ દેશના ટોચના સ્મારકોનો દરજ્જો મળતાં સાંસદ વિનોદભાઇ ચાવડાનો આવકાર
ભુજ - કચ્છઉદય : ઐતિહાસિક ધરોહર અને વિશ્વવિખ્યાત હડપ્પન સંસ્કૃતિના પુરાતત્વીય સ્થળ ધોળાવીરાને દેશના અતિ મહત્વના સ્મારકોની ‘કેટેગરી-એ’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવતાં કચ્છ સાંસદ વિનોદભાઇએ આ નિર્ણયને આવકારી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
વિનોદભાઇએ જણાવ્યું હતું કે, ધોળાવીરા માત્ર કચ્છ કે ગુજરાતની ઓળખ નથી, પરંતુ ભારતની હજારો વર્ષ જૂની સમૃદ્ધ સંસ્કૃતિ, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને શહેરી આયોજનની વિશ્વ સમક્ષ સાક્ષી આપતી અમૂલ્ય ધરોહર છે. ધોળાવીરાને કેટેગરી-એનો દરજ્જો મળવો સમગ્ર કચ્છ માટે ગૌરવની ક્ષણ છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાચીન સ્મારકોના સંરક્ષણ સંબંધિત નિયમોમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત દેશના સંરક્ષિત સ્મારકોને મહત્વની શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં ધોળાવીરાને સર્વોચ્ચ ગણાતી કેટેગરી-એમાં સ્થાન મળ્યું છે. આ સાથે ધોળાવીરા હવે તાજમહેલ, લાલ કિલ્લો અને હમ્પી જેવા દેશના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્મારકોની હરોળમાં સ્થાન પામ્યું છે.
સાંસદે વધુમાં જણાવ્યું કે, ધોળાવીરાને મળેલું આ રાષ્ટ્રીય મહત્વ કચ્છમાં વારસા આધારિત પ્રવાસન, પુરાતત્વીય સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાની તક ઊભી કરશે. દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ધોળાવીરાનું આકર્ષણ વધુ વધશે, જેના પરિણામે કચ્છના સ્થાનિક પ્રવાસન અને આર્થિક પ્રવાહને પણ લાભ મળી શકે છે. નવા દરજ્જા સાથે ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં મદદ મળશે. સ્મારકની આસપાસના પ્રતિબંધિત અને નિયંત્રિત વિસ્તારોમાં બાંધકામ તથા અન્ય પ્રવૃત્તિઓ માટે લાગુ પડતી મંજૂરી અને નિયંત્રણની જોગવાઈઓનું વધુ કડક પાલન થશે. સાથે જ સ્મારકની સુરક્ષા, મુલાકાતીઓ માટેની સુવિધાઓ અને વ્યવસ્થાપનને પણ નવી દિશા મળશે. આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ પ્રધાનમંત્રીશ્રી, કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો સાંસદે આભાર વ્યક્ત કરી કચ્છની જનતા તરફથી હાર્દિક આવકાર પાઠવ્યો છે.
--------

Comments