Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ ની કડક કામગીરીથી સુરેન્દ્રનગર ના પ્રાંતશ્રી મકવાણાની યાદ તાજી થઈ

14 September

ખનીજમાફિયાઓ સામે સપાટાબંધ લાલઆંખ ભરી કાર્યવાહીને આવકાર


લખપત-અબડાસામાં ખનીજચોરો પર લાલઆંખઃ રાત્રિના સમયે જાતે સ્થળ પર દોડી જઈ સપાટો બોલાવતા માફિયાઓમાં ભારે ફફડાટ : વાગડ પટ્ટામાં પણ આવી જ ‘ધોકાછાપ’ કામગીરી ભચાઉના નવનિયકુત આઈએએસ પ્રાંત અધિકારી કેમ ન આદરે?



ગાધીધામ :  કચ્છ જિલ્લામાં બેફામ બનેલા ખનીજમાફિયાઓ સામે નખત્રાણાના યુવા પ્રાંત અધિકારી શ્રી ઉત્કર્ષ ઉજ્જવલે આક્રમક વલણ અપનાવી કડક કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. લખપત સહિતના પોતાના કાર્યક્ષેત્રમાં રાત્રિના સમયે જાતે સ્થળ પર દોડી જઈ ખનીજચોરો સામે કડક પગલાં ભરવાની તેમની આ ‘ધડાકેદાર’ શૈલીએ ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં ધાક બેસાડનાર પ્રાંત અધિકારી શ્રી મકવાણાની યાદ અપાવી દીધી છે.લોકો કહી રહ્યા છે કે જિલ્લાના અન્ય અધિકારીઓએ પણ આ કામગીરીમાંથી 
બોધપાઠ લેવો જોઈએ. ખાસ કરીને ભચાઉમાં હવે આઈએએસ કક્ષાના અધિકારી મુકાયા છે, ત્યારે વાગડ પટ્ટામાં ફૂલેલા-ફાલેલા ખનીજમાફિયાઓનો સફાયો કરવા માટે ભચાઉ અને અન્ય વિસ્તારોમાં પણ ઉત્કર્ષ ઉજ્જવલ જેવી જ ‘ધોકાછાપ’ અને આકરા મિજાજ વાળી કાર્યવાહી થાય તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.


...............

સુરેન્દ્રનગરમાં મકવાણા પ્રાંતે ચમરબંધીઓને ભોંય ભેગા કર્યા હતા

ગાંધીધામ : અગાઉ સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં સેવારત પ્રાંત અધિકારી મકવાણાએ કાર્બોશેલ, કોલસા અને અન્ય ખનીજોની બેફામ ચોરી કરતા ચમરબંધીઓ સામે કોઈની પણ શેહ-શરમ રાખ્યા વિના દંડૂકો 
પછાડ્યો હતો. તેમણે ભૂગર્ભમાં ઉતરી ગયેલા માફિયાઓને શોધી-શોધીને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. ખનીજચોરીના ઇતિહાસમાં ૫૦થી વધુ માફિયાઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કાર્યવાહી કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ મકવાણા પ્રાંતના નામે બોલે છે.

...............

કચ્છમાં વ્હાઇટકોલર માફિયાઓ અને અધિકારીઓનું સંગઠિત નેટવર્ક

ગાંધીધામ : લખપત, અબડાસા, વાગડ પટ્ટો કે માંડવી-મુન્દ્રા સમગ્ર કચ્છમાં અત્યારે ખનીજચોરોએ માજા મૂકી છે. આ કાળો કારોબાર ચલાવવા માટે વ્હાઇટકોલર માફિયાઓ, ખાણ-ખનીજ વિભાગ, 
પોલીસ અને રાજકીય તત્વોનું આખું નેટવર્ક (સિન્ડિકેટ) સક્રિય હોવાની લોકચર્ચા છે. બેનામી આવકની ભાગબટાઈમાં ગળાડૂબ આ તત્વો એટલા માથાભારે બની ગયા છે કે ક્યારેક સરકારી અધિકારીઓ પર હુમલા કરતા પણ અચકાતા નથી.

.................

નખત્રાણા પ્રાંતનો સ્પષ્ટ સંદેશ : 
ખનીજચોરી સહેજ પણ નહીં ચલાવી લેવાય


ગાંધીધામ : આવા ભયાનક માહોલ વચ્ચે નખત્રાણા પ્રાંત ઉત્કર્ષ ઉજ્જવલે પોતે મેદાનમાં ઉતરી ખનીજમાફિયાઓ સામે લાલઆંખ કરી દીધી છે અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે ખનન સહેજ પણ ચલાવી લેવાશે નહીં. તેમની આ નિર્ભય કામગીરીને પ્રજાજનોમાંથી ભારે આવકાર મળી રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM