Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિ.ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખિલવતી પહેલ

10 September


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંશોધનોના અભ્યાસ પરથી વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશનનું સફળ આયોજન : સ્થાનિક અને પર્યાવરણ લગતા પ્રશ્નોના ઉકેલ પર મુકાયો ભાર


ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રુચિ, વૈજ્ઞાનિક વિચારસરણી અને રજૂઆતની કુશળતા વિકસે તેવા હેતુથી એક નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનકાર્ય અને પ્રબંધોનો અભ્યાસ કરી, તેના મહત્વપૂર્ણ પરિણામોના આધારે વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન તૈયાર કરી તેની રજૂઆત કરવાનો એક વિશેષ કાર્યક્રમ રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે યોજાયો હતો. સામાન્ય રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંશોધન માત્ર થિસિસ પૂરતું સીમિત રહી જતું હોય છે, ત્યારે આ ઉપક્રમ દ્વારા નવી પેઢીના વિદ્યાર્થીઓ સુધી તેને પહોંચાડી સંશોધનની નવી દિશાઓ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન એમ.એસસી. પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ગાયના મૂત્રમાંથી યુરિયાનું નિષ્કર્ષણ, ટ્રાયાઝોલનું સંશ્લેષણ, પૂર્વ કચ્છની જમીન અને પાણી પર ઔદ્યોગિક વિકાસની અસર, બીટા-લેક્ટમ એન્ટિબાયોટિક્સ, કૃષિ કચરામાંથી પાણી શુદ્ધિકરણ, પ્રવાહી ખાતર, સી-વીડ આધારિત બાયોપ્લાસ્ટિક, માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરાનું મૂલ્યવાન સંસાધનમાં રૂપાંતરણ તથા પપૈયાના છોડમાં રહેલા ફાયટોકેમિકલ્સ જેવા વિ વિવિધ સમકાલીન અને સમાજલક્ષી વિષયો પર રસપ્રદ રજૂઆતો કરી હતી.પ્રાધ્યાપકોની નિર્ણાયક પેનલ તરીકે વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન અને વિભાગીય વડા ડૉ. વિજય રામ, આસોસીએટ પ્રોફેસર ડૉ. લખન ચોપડા તથા આસિસ્ટંત પ્રોફેસર ડૉ. મલય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની રજૂઆત, વૈજ્ઞાનિક અભિગમ અને પ્રશ્નોત્તરી ક્ષમતાનું મૂલ્યાંકન કરી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમના અંતે ડૉ. વિજય રામે વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે પ્રયોગશાળામાં કરવામાં આવેલા શ્રેષ્ઠ સંશોધન કાર્યને યોગ્ય મૂલ્યાંકન બાદ ભવિષ્યમાં અભ્યાસક્રમમાં પણ સ્થાન આપી શકાય છે. તેમણે નાળિયેર પાણી, શેરડીનો રસ તેમજ કચ્છ જિલ્લાની સ્થાનિક સમસ્યાઓ જેવી કે જમીનની કઠિનતા અને કોપર પ્રદૂષણ જેવા વિષયો પર વૈજ્ઞાનિક અને ટકાઉ ઉકેલો શોધવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. ડૉ. મલય ભટ્ટ, ડૉ. લખન ચોપડા અને જીગર સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર સંશોધન રજૂ કરવા માટે નવો આત્મવિશ્વાસ પૂરો પાડ્યો હતો.
-------- 

Comments

COMMENT / REPLY FROM