કચ્છના નાની નાગલપરમાં બનેલી ગોબર ગણેશની ઇકોફ્રેન્ડલી મૂર્તિ પહોંચી પ્રધાનમંત્રી સુધી
સુખપર - કચ્છઉદય : ગણેશોત્સવ નજીક આવી ગયો છે અને સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને લાખોની સંખ્યામાં મૂર્તિઓની ખરીદી થઈ રહી છે ત્યારે કેમિકલ યુક્ત ઝેરી પદાર્થોથી બનતા ગણપતિના પાણીમાં થતાં વિસર્જનથી લાખો જીવ સૃષ્ટિ ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણને થતાં અકલ્પનીય નુકસાનને ટાળવા અનેક પ્રકૃતિ પ્રેમીઓ પોતાની રીતે યથાસંભવ પ્રયાસો કરી રહ્યા છે.
કચ્છમાં એવો જ એક પ્રયાસ અંજારની બાજુમાં નાની નાગલપર ગામે વર્ષોથી થઈ રહ્યો છે. અહીંના નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રના સંચાલક અને ગૌ સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર કચ્છના પ્રાંત સંયોજક એવા જાણીતા ગૌપ્રેમી મેઘજી હિરાણી જણાવે છે કે, અમે સમગ્ર પરિવાર સાથે મળીને વર્ષોથી ગાયના ગોબરમાંથી વિવિધ પ્રકારની અસંખ્ય વસ્તુઓ બનાવીએ છીએ, જેમાં ધુપબત્તિ, પુજાથાળી, તોરણ, દીવડાઓ, મોબાઇલ સ્ટેન્ડ, રેડિયેશન રોધક મોબાઇલ ચિપ્સ, શો પીસ જેવી અનેક વસ્તુઓ સામેલ છે. ગણપતિની વાત કરીએ તો અહીં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ૩ ઇંચથી ૧૬ ઈંચ સુધીની ઉંચાઇની ૪૧ હજાર મુર્તિઓ બની ચુકી છે અને ન માત્ર કચ્છ કે ગુજરાત, પરંતુ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આગોતરી વર્દી પ્રમાણે હજારો મૂર્તિઓનાં પાર્સલ રવાના પણ કરી દેવાયાં છે.
હમણાં જ વડાપ્રધાનના વડોદરા પ્રવાસમાં પણ એક સંસ્થાના યુવાનોએ મોદીજીને આ ગોબર ગણેશની મુર્તિ ભેટમાં આપતાં અનેક લોકોનું ધ્યાન આ વિષય ઉપર ગયું છે. મૂર્તિની વિશેષતા જણાવતાં મેઘજીભાઈ કહે છે મુખ્ય ઘટક તરીકે દેશી ગાયના ગોબર અને અને પ્રાકૃતિક વસ્તુઓ બનેલી આ મુર્તિઓને આકર્ષક રંગોથી રંગવામાં આવે છે, જેથી તહેવાર પછી આ સુંદર મૂર્તિને ઘરમાં પણ રાખી શકાય છે. અથવા ઘરના આંગણે બગીચામાં તેનું વિસર્જન કરી દેવાય તો તે ઉત્તમ પ્રકારનું ખાતર બની જાય છે અને તળાવ કે સમુદ્રમાં વિસર્જન કરવાથી તે જળચર જીવોનો ખોરાક બનવા ઉપરાંત એકદમ પાણી અને માટી સાથે ભળીને કોઈ પણ નુકસાન વગર પ્રકૃતિ અને પર્યાવરણનો જ એક ભાગ બની જાય છે.
પર્યાવરણ અસંતુલનના કારણે થતાં ભયંકર નુકસાનને કારણે લોકોમાં પણ ધીમેધીમે જાગૃતિ આવતી જાય છે અને દેખાદેખીમાં રખાતી અતિ પ્રદૂષણ ફેલાવતી પીઓપી જેવા નુકસાનકારક પદાર્થોની મોટી મૂર્તિઓની જગ્યાએ પંડાલોમાં હવે પાછળના ભાગે ગણપતિના મોટા ફોટા અને પૂજન તથા વિસર્જનમાં આવી નાનકડી અને પ્રાકૃતિક મૂર્તિઓનું ચલણ વધ્યું હોવાનું ગતિવિધિના પ્રચાર સંયોજક રામજી વેલાણીએ જણાવ્યું છે.
-----

Comments