કચ્છી લેવા પટેલ યુવકસંઘ ભુજના ૫૭મા સ્થાપના દિને ‘યુવા સંગઠન દિવસ’ની ઉજવણી
સેવાની આ સફરમાં અમુલ્ય યોગદાન આપેલ ભૂતપૂર્વ પ્રમુખોને સન્માનિત કરાયા
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ યુવકસંઘ - ભુજ દ્વારા ૫૭મા સ્થાપના દિવસ અંતર્ગત ‘યુવા સંગઠન દિવસ’નું આયોજન સરદાર પટેલ વિદ્યા સંકુલ, ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડાએ ખાસ ઉપસ્થિતિ આપીને યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આવનારી પેઢીનું આરોગ્ય સુધરશે અને પર્યાવરણનું પણ જતન થશે. આ સાથે જ તેમણે યુવાનોમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે ઉપયોગી સૂચનો કર્યા હતા.
સમારોહ દરમ્યાન વિષય નિષ્ણાતો દ્વારા યુવાનો માટે ઉપયોગી સત્રો યોજાયા હતા. જેમાં ડૉ. મિત ઠક્કરે યુવા હેલ્થ અને કટોકટીના સમયે ઉપયોગી સીપીઆર પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. દિવ્યાબેન વેકરીયાએ ડિજિટલ યુગમાં સાઈબર સુરક્ષા પ્રત્યે સતર્ક રહેવાની સમજ આપી હતી. અંકિતભાઈ રાબડીયાએ યુવા ઉદ્યમ, નવા સ્ટાર્ટઅપ અને બિઝનેસની તકો વિશે માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત આર.આર. પટેલે સમાજ સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો હતો અને કાન્તાબેન વેકરીયાએ ચોવીસીમાં બનતા કૃત્યો પ્રત્યે જાગૃત રહેવા સૌ યુવાધન સમક્ષ અપીલ કરી હતી. કાર્યક્રમમાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ યુવકસંઘના ટ્રસ્ટીઓ તથા ચોવીસીના તમામ યુવાનોને શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. યુવાનોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી ઉપસ્થિત તમામ યુવા-યુવતીઓ માટે એક ખાસ હેલ્થ ચેકઅપ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ ગૌરવપૂર્ણ પ્રસંગે કચ્છી લેવા પટેલ યુવકસંઘની સ્થાપના સમયથી લઈને અત્યાર સુધી ઉત્કૃષ્ટ સેવાઓ આપનારા તમામ ભૂતપૂર્વ પ્રમુખોની સેવાકીય સફરને બિરદાવીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રથમ પ્રમુખ આર. આર. પટેલ ઉપરાંત, હીરજીભાઈ લાછાણી, અરજણભાઈ પિંડોરીયા, મનજીભાઈ વરસાણી, નવીનભાઈ પાંચાણી, ગોવિંદભાઈ ગોરસીયા, વિશ્રામભાઈ ભુડિયા, પ્રવીણભાઈ પિંડોરીયા, રમેશભાઈ હાલાઈ, રામજીભાઈ સેંઘાણી, ધનસુખભાઈ શિયાણી, મનજીભાઈ પિંડોરિયા, નીમુબેન મેપાણી અને દિનેશભાઈ પાંચાણી સહિતના તમામ અગ્રણીઓનું બહુમાન કરાયું હતું સાથોસાથ સંસ્થાના સ્વર્ગવાસી પ્રમુખો વી.કે. પટેલ, ડૉ. સામજીભાઇ હિરાણી, માવજીભાઈ હિરાણી, કુંવરજીભાઈ ભુડિયા અને નાનજીભાઈ દબાસીયાની સેવાકીય સફરને યાદ કરીને તેમને પણ ભાવાંજલિ અર્પણ કરાઈ હતી તથા ભૂતપૂર્વ ટ્રસ્ટીઓની બહુમૂલ્ય સેવાઓની નોંધ લેવાઈ હતી. આ ઉપરાંત સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા બદલ ચોવીસી ગામોના વર્તમાન પ્રમુખોને પણ વિશેષરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, નાનજીભાઈ પિંડોરિયા, રવજીભાઈ ગોરસિયા, વેલજી પિંડોરિયા(નારણપર), પ્રેમજીભાઈ હાલાઇ, કાનજીભાઈ પિંડોરિયા, લક્ષ્મણભાઈ રાઘવાણી, શિવજીભાઈ છભાડીયા, કરસનભાઈ મેપાણી સહિત સમાજના અનેક શ્રેષ્ઠીઓ, ચોવીસીના યુવા-યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવકસંઘ ભુજના વર્તમાન પ્રમુખ જેન્તીભાઈ વેકરીયાએ તથા આભારવિધિ મંત્રી રસિકભાઈ વેલાણી દ્વારા કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા માટે યુવક સંઘના તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ જવાબદારી સંભાળી હતી.
-----

Comments