ભચાઉના ચોબારી પ્રાથમિક શાળાના નિર્માણમાં લોટ, પાણી ને લાકડાં
જ્ઞાનના મંદિરોને પણ લાગ્યું ભ્રષ્ટાચારનું ગ્રહણ
કન્સ્ટ્રક્શન કામમાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મસમોટો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો ગંભીર અને સળગતો મામલો ઉજાગર : તાત્કાલિક ધોરણે બાંધકામને અટકાવી દેવાયું : જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વેલજીભાઈ આહીરે કૌભાંડનો પર્દાફાશ કર્યો
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના ચોબારી ગામે આવેલી પ્રાથમિક શાળામાં બની રહેલા નવા ઓરડાઓના કન્સ્ટ્રક્શન કામમાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી મસમોટો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો ગંભીર અને સળગતો મામલો સામે આવ્યો છે. શાળાના સ્લેબ અને ફ્લોરિંગ નિર્માણ દરમિયાન નિયમ મુજબ યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ વાપરવાના બદલે સાવ હલકી ગુણવત્તાનું કામ કરીને બાળકોના ભવિષ્ય અને જનતાના ટેક્સના નાણાં સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરવામાં આવી રહ્યો હતો.
આ સમગ્ર ગેરરીતિ અંગે ચોબારી વિસ્તારના જાગૃત પ્રજા પ્રતિનિધિ અને જિલ્લા પંચાયતના સદસ્ય પુરીબેન વેલજીભાઈ આહીરને જાણ થતાં તેમના પ્રતિનિધિ વેલજીભાઇએ તાત્કાલિક ધોરણે જવાબદારો સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર કૌભાંડની પોલ ખોલી નાખી હતી. વાતચીત દરમિયાન વેલજીભાઈએ ટેકનિકલ ગણતરીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે ચોબારી કબીરનગર શાળાના કામમાં સ્લેબ અને ફ્લોરિંગમાં એમ-૨૦૦ કે એમ-૨૫ ના ગુણવત્તાના ધોરણો મુજબ જ્યાં ૪.૩ ઘનમીટરમાં ઓછામાં ઓછી ૩૫ બેગ સિમેન્ટ વપરાવી જોઈએ, તેની સામે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ૧૫ બેગ સિમેન્ટ જ વાપરીને અત્યંત લોટ-પાણી-ને-લાકડાં જેવું નબળું કામ કરવામાં આવી રહ્યું હતું. સાઇટ પર કોઈ પણ સરકારી સુપરવાઇઝર કે ઇજનેરની ગેરહાજરી વચ્ચે આ રીતે ચોરી થતી હોવાનો ધગધગતો આરોપ તેમણે મૂક્યો હતો. વેલજીભાઈએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું હતું કે છ મહિનામાં જ તૂટી પડે તેવું નબળું બાંધકામ ચલાવી લેવાશે નહીં. જ્યાં સુધી શાળાના અત્યાર સુધી થયેલા સમગ્ર બાંધકામનું સરકારી અને ખાનગી લેબોરેટરી દ્વારા નિષ્પક્ષ ક્યુબ ટેસ્ટિંગ ન થાય ત્યાં સુધી આ કામ તાત્કાલિક ધોરણે બંધ રાખવામાં આવે અને કોન્ટ્રાક્ટરનું એક પણ બિલ પાસ કરવામાં ન આવે. જો નિર્માણ કાર્યમાં ગંભીર ગેરરીતિઓ જણાશે તો આ બ્લેક લિસ્ટમાં મૂકવા લાયક એજન્સી અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી. જાગૃત પ્રતિનિધિની આ કડક રજૂઆતના પગલે અધિકારીએ પણ તાત્કાલિક અસરથી શાળાનું કામ સ્થળ પર જ અટકાવી દઈને તાલુકાના ઇજનેરને તપાસ અર્થે મોકલવાની ખાતરી આપવી પડી હતી. શાળાના બાંધકામના કોન્ટ્રાક્ટરે પણ હાલના તબક્કે કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનું અને થયેલ કામગીરીના ટેસ્ટિંગ ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી કામોમાં થતા આવા ભ્રષ્ટાચારને અટકાવવા માટે માત્ર પ્રજાપ્રતિનિધિઓ જ નહીં પરંતુ ગ્રામજનોએ પણ પોતે જાગૃત થવું પડશે. ગામમાં જ્યારે પણ શાળા કે અન્ય સરકારી નિર્માણ કાર્ય ચાલતું હોય ત્યારે નાગરિકોએ એક થઈને ગુણવત્તા સામે નજર રાખવી જોઈએ અને નબળું કામ દેખાય ત્યાં જ કામ અટકાવીને કડક રજૂઆત કરવી જોઈએ. હાલ તો જાગૃત લોકપ્રતિનિધિના કારણે ચોબારી શાળાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે, પરંતુ હવે તંત્ર દ્વારા કસૂરવારો સામે કેવા પ્રકારના આકરા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
.....................
દોષિતો સામે કડક પગલાં લેવાય
અને પંચનામું થાય તે જરૂરી
ભચાઉ : કચ્છ ઉદય સાથેની વિશેષ વાતચીતમાં ચોબારી જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ વેલજીભાઈ આહીરે જણાવ્યું હતું કે, હાલ તુરંત ચોબારીની શાળાનું ગુણવત્તા વગરનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે પરંતુ માત્ર કામગીરી બંધ કરાવવાથી ચાલશે નહીં. અત્યાર સુધી શાળામાં થયેલ તમામ કામનું રોજમેળ તૈયાર કરી વિધિવત પંચનામું કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર કે અધિકારી દોષિત જણાય તથા જેણે આ પ્રકારનું નબળી ગુણવત્તાવાળું કામ કર્યું છે તેની સામે કડકમાં કડક કાનૂની અને વિભાગીય પગલાં લેવાય તે ખૂબ જ જરૂરી છે.
.................
ભચાઉના કણખોઈ ગામે પણ શાળાનું શંકાસ્પદ બાંધકામ અટકાવવામાં આવ્યું
ભચાઉ : તાલુકામાં સરકારી શાળાઓના નિર્માણમાં ગેરરીતિની વ્યાપક ફરિયાદો વચ્ચે કણખોઈ ગામે ચાલી રહેલ પ્રાથમિક શાળાના નવા ઓરડાના બાંધકામ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. કણખોઈ ગામમાં શાળાના બાંધકામની કામગીરી હાલ સ્લેબ ભરવાના તબક્કે પહોંચી હતી. જોકે અહીં પણ ચોબારી ગામે થયેલા કૌભાંડની જેમ જ ગુણવત્તા વગરનું અને ધારાધોરણો વિરુદ્ધનું નબળું કામ થતું હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી હોવાથી તકેદારીના ભાગરૂપે કણખોઈ ગામે પણ શાળાનું તમામ બાંધકામ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યું છે.
................
ભાજપના જ જનપ્રતિનિધિએ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતાં કચ્છના રાજકારણમાં ગરમાવો
ભચાઉ : કચ્છ જિલ્લામાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીનું જ પ્રતિનિધિત્વ અને શાસન છે. આવી સ્થિતિમાં ભાજપના જ એક જાગૃત જનપ્રતિનિધિ ચોબારી બેઠકના જિલ્લા પંચાયત સદસ્યા પુરીબેન ઢીલા દ્વારા જાહેર બાંધકામના સરકારી કામોમાં થઈ રહેલા મસમોટા ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ ઉજાગર કરવામાં આવતાં રાજકીય આલમમાં ભારે હડકંપ મચી ગયો છે. અંજાર ભાજપમાં સર્જાયેલા લેટર બોમ્બના વિવાદના ભણકારા હજી શાંત થયા નથી, ત્યાં જ વાગડ પંથકની શાળાના બાંધકામમાં ગુણવત્તા વગરની ગેરરીતિઓ સામે આવતાં સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.

Comments