Trending News
સ્થાનિક સમાચાર

ખનીજચોરોને ડામો : કચ્છમાં તાત્કાલિક ડ્રોન સર્વેલન્સ શરૂ કરો!

03 November

ખનીજચોરોને રાજકીય ઓથ આપનારા ચહેરાઓને પણ કરો બેનકાબ!



ભુજથી સુરજબારી સુધી સતત વધતી હુમલાઓની ઘટનાઓ અત્યંત ચિંતાપ્રેરક : કલેક્ટરશ્રીની આગેવાની હેઠળ સંયુક્ત ફ્લાઈંગ સ્ક્વોડ બનાવી સરપ્રાઈઝ રેડ કરો જપ્ત થયેલાં મશીનો-ડમ્પરો હપ્તા સિસ્ટમમાં છૂટવા ન જોઈએ ઼ વન વિભાગની તર્જ પર પાંચ વર્ષ સુધી વાહનો સીઝ કરવાનો કડક કાયદો બનાવો!


ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લામાં ખનીજમાફિયાઓ હવે સાચે જ માઝા મૂકી રહ્યા છે. વાગડ, લખપત, અબડાસાથી લઈને સમગ્ર ભુજ પટ્ટામાં મોટાપાયે અને આડેધડ ખનીજચોરીઓ આચરવામાં આવી રહી છે. આ કાળી કમાણીમાં ક્યાંક ને ક્યાંક કોઈ મોટી રાજકીય શેહ કે છત્રછાયા મળી રહી હોય તેમ ખનીજચોરો હવે બેફામ બનેલા માફિયા જેવા બની ગયા છે. સરકારી નિયમોનું પાલન કરાવવા અને ખનીજચોરી અટકાવવા નીકળતી સરકારી ટીમો પર જીવલેણ હુમલાઓ કરતાં પણ આ માફિયાઓ અચકાતા નથી. જો વેળાસર કડક આયોજન નહીં કરાય, તો કરોડો રૂપિયાની સરકારી રોયલ્ટીનો ધૂંબો વાગતો રહેશે અને કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી જશે.

....................

નખત્રાણા, સુરજબારી અને નાગોરમાં સરકારી સ્ટાફ પર હુમલાઃ ઘટનાઓ લાલબત્તીસમાન


ગાંધીધામ : તાજેતરમાં જ નખત્રાણામાં ગેરકાયદે ખનીજચોરી અટકાવવા ગયેલા પ્રાંત અધિકારીશ્રી પર ખનીજચોરોએ દાદાગીરીપૂર્વક પથ્થરમારો કર્યો હતો, જે ઘટના હજુ તાજી જ છે. ત્યાં વળી ભચાઉના સુરજબારી ટોલપ્લાઝા પર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોને અટકાવવા જતાં સરકારી કર્મીઓ સાથે હાથાપાઈ કરવી, ચાકુ જેવાં તીક્ષ્ણ હથિયારો બતાવી જીવલેણ હુમલા કરવા અને બેરિકેડ તોડીને દાદાગીરીથી વાહનો ભગાડી જવાની ઘટનાઓ બની છે. આટલું ઓછું હોય તેમ ભુજના નાગોર વિસ્તારમાં પણ ચેકિંગ અર્થે ગયેલા ખનીજ વિભાગના કર્મચારીઓને રેતીચોરોએ “ફરી અહીં ચેકિંગમાં આવતા નહીં” તેવી ખુલ્લેઆમ ધમકી આપતાં આખરે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે. આ અગાઉ તો પોલીસ મથકે સીઝ કરીને મુકાયેલા ડમ્પરો પણ ખનીજચોરો હંકારી ગયા હોવાના કિસ્સાઓ બની ચૂક્યા છે. કચ્છની ખનીજ 
સંપત્તિ લૂંટીને કાળી કમાણી કરનારા આ ચીભડ ચોરો આજે એટલા ફાટીને ધુમાડે ગયા છે કે કાયદાનો કોઈ ભય જ રહ્યો નથી!


.....................

જિલ્લા સંકલન બેઠકમાં આ મુદ્દે કેમ મનોમંથન નહી?

ઉચ્ચ સ્તરીય કડક ઝુંબેશ અને સંયુક્ત રેડની તાતી જરૂરિયાતઃ સ્થાનિકોની માંગ


ગાંધીધામ : આ તમામ ઘટનાક્રમોને તંત્રે જરાય હળવાશથી લેવાની જરૂર નથી. કચ્છમાંથી થતી અબજો રૂપિયાની ખનીજચોરી અટકાવવા માટે ત્વરિત અને આકરાં પગલાં લેવાય તે સમયની માંગ છેઃ *સંયુક્ત ટાસ્ક ફોર્સની રચનાઃ કલેક્ટરશ્રીની સીધી દેખરેખ હેઠળ સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટી, સરપંચ, ખાણ-ખનીજ સુપરવાઈઝર, ભૂસ્તરશાસ્ત્રી અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો બનાવવામાં આવે. *સરપ્રાઈઝ રેડ અને ધાક બેસાડતી કાર્યવાહીઃ આ ટીમો દ્વારા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અચાનક દરોડા 
પાડીને ધાક બેસાડે તેવી આકરી કાર્યવાહી કરવામાં આવે.*હપ્તા સિસ્ટમનો અંત અને વાહનો કાયમી સીઝઃ રેડ દરમિયાન જપ્ત કરાયેલાં મશીનો કે ડમ્પરો “હપ્તા સિસ્ટમ“ માં પાછલા બારણેથી છૂટી ન જવા જોઈએ. વન વિભાગના કડક નિયમોની જેમ જ ખનીજચોરીમાં વપરાયેલાં મશીનો અને વાહનોને ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી સીઝ કરી દેવાનો કડક અમલ થવો જોઈએ. *ડ્રોન સર્વેલન્સ શરૂ કરોઃ  સમગ્ર કચ્છના સંવેદનશીલ અને લીઝ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સતત સર્વેલન્સ અને વૉચ રાખવામાં આવે, જેથી લીઝની બહાર કે ગેરકાયદે થતું ઉત્ખનન તુરંત પકડી શકાય.*આકાઓને બેનકાબ કરોઃ ખનીજચોરોને પીઠબળ આપનારા અને સિસ્ટમની પાછળ રહીને આકા બનેલા રાજકીય ચહેરાઓને પણ કાયદાના દાયરામાં લાવીને જાહેર સ્તરે બેનકાબ કરવા જરૂરી બન્યા છે..

Comments

COMMENT / REPLY FROM