Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડોઃ  CGDCR અને પાલિકાના નિયમો કાગળ પર

26 October


મંજૂર પ્લાન અને વાસ્તવિક બાંધકામ વચ્ચે જમીન-આસમાનનો તફાવત : માર્જિનની જગ્યાઓ ખુલ્લેઆમ ગળી જવાતી હોવાની વ્યાપક ફરિયાદો : અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને નકશા બનાવનાર ઇજનેરોની ભૂમિકા શંકાના ઘેરામાં

આંખ આડા કાન કરવાની નીતિથી ગુનાહિત છૂટછાટ : બીયુ પરમિશન વગરના બિલ્ડીંગોના પાણી-ગટર કનેક્શન કાપી, ‘સ્ટોપ વર્ક’ અને ‘ડીમોલિશન’ જેવી કડક કાર્યવાહીની ઉગ્ર 

માંગ : સરકારે બિલ્ડરો ઉપર કડક નિયમ માટે રેરા કાયદા બનાવ્યો તે પણ કચ્છમાં ઠુંઠો સાબીત થઈ રહ્યો છે તેની સાથે હાલમા થઈ રહ્યા બાંધકામો ચિંતા પસરી રહી છે...



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના વિવિધ શહેરી વિસ્તારોમાં હાલ બાંધકામના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. ભુજ શહેરી વિકાસ સત્તામંડળ, વિવિધ સત્તા વિકાસ મંડળો અને સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકારના એકસમાન કાયદા સીજીડીસીઆર-૨૦૧૭ હેઠળ બાંધકામની મંજૂરીઓ તો અપાય છે, પરંતુ સ્થળ પર આ કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોવાનું ભયાવહ ચિત્ર ઉપસી રહ્યું છે. સમગ્ર જિલ્લાના શહેરી વિસ્તારોમાં ’દલા તરવાડી’ જેવી નીતિ ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નિયમ મુજબ તમામ રહેણાંક અને વ્યાવસાયિક બાંધકામો મંજૂર થયેલા નકશા મુજબ જ થવા જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે મંજૂર પ્લાન અને સ્થળ પરના પ્રત્યક્ષ બાંધકામ વચ્ચે મોટા પાયે વિસંગતતાઓ જોવા મળે છે. ખાસ કરીને સીજીડીસીઆરના સેક્શન ૬.૭.૨, ટેબલ ૬.૨૬ હેઠળ દર્શાવેલા નિયત માપદંડો મુજબ પ્લોટની સાઈઝ અનુસાર ૧.૦ મીટર, ૧.૫ મીટર કે ૨.૦ મીટરના સાઇડ અને રિયર માર્જિન (સેટબેક) છોડવાના હોય છે. પરંતુ મકાન કે કોમ્પ્લેક્ષ માલિકો દ્વારા આ ખુલ્લી જગ્યાઓ સંપૂર્ણપણે કવર કરીને ગેરકાયદેસર બાંધકામ કરી લેવામાં આવે છે. મંજૂરીના કાગળો માત્ર દેખાડવા પૂરતા જ રહી જાય છે. આટલા મોટા પાયે થતા નિયમોના ઉલ્લંઘન પાછળ બાંધકામ નિયમન અને સુપરવિઝન સાથે જોડાયેલા તંત્રની નિષ્ફળતા છતી થાય છે. નિયમોનું પાલન કરાવનારા અમુક અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આંખ આડા કાન કરી રહ્યા છે. સાથે જ નકશો બનાવનાર કેટલાક ખાનગી ઇજનેરોની ભૂમિકા પણ શંકાસ્પદ મનાઈ રહી છે. જાણે મકાન બનાવનાર વ્યક્તિ ‘કરૂં ફેરફાર એક-બે?’ એમ પૂછે અને તંત્રના બાબુઓ ’કરોને ફેરફાર મનફાવે એટલા!’ એવો કથિત જવાબ આપી મૌન સ્વીકૃતિ આપતા હોય તેવો ઘાટ સર્જાયો છે. મોટા ભાગે આખા જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે આ જ પ્રકારે નિયમોને નેવે મૂકવામાં આવતા હોવાની પ્રબળ સંભાવના છે.



...................



કાયદો શું કહે છે? તંત્ર પાસે કઈ સત્તાઓ છે ?


કાયદાકીય નિષ્ણાતોના મતે, ગુજરાત નગરપાલિકા અધિનિયમની સ્પષ્ટ જોગવાઈઓ મુજબ મંજૂર પ્લાનથી વિસંગત કે અનધિકૃત બાંધકામ કરવું એ સજાપાત્ર ગુનો છે. સ્થળ પર વિસંગતતા જણાય ત્યારે નિયમ મુજબ ચીફ ઓફિસર દ્વારા તુરંત કામ અટકાવવાની નોટિસ આપવાની અને ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની  કાયદાકીય જોગવાઈ છે. માર્જિન કવર કરી લીધેલા બાંધકામોને કાયદાકીય રીતે ક્યારેય બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ આપી શકાય નહિ. બીયુ પરમિશન વગર મિલકતનો વપરાશ શરૂ કરવો એ કાયદાનો ભંગ છે. આવા કિસ્સામાં પાલિકાને મિલકતો સીલ કરવાની તેમજ તેમના પાણી અને ગટર (ડ્રેનેજ) ના કનેક્શન તાત્કાલિક કાપી નાખવાની સત્તા પ્રાપ્ત થયેલી છે.


................

કડક અમલીકરણ સમયની માંગ

જ્યાં સુધી માત્ર નોટિસો આપવાનો દેખાવ કરવાના બદલે ‘સ્ટોપ વર્ક’, મિલકત સીલિંગ અને ‘ડીમોલિશન’ જેવી આકરી કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકશે નહીં. ભાડા, વિકાસ મંડળો અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝુંબેશના રૂપમાં કડક સ્થળ તપાસ હાથ ધરવામાં આવે અને કસૂરવારો સામે દાખલારૂપ પગલાં લેવાય તેવી જાહેર હિતમાં પ્રબળ માંગ ઉઠી છે. 

 

Comments

COMMENT / REPLY FROM