ભુજમાં ભૂકંપ સામે જાગૃતિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે અપાયું માર્ગદર્શન
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજ ખાતે ‘સુરક્ષા - ભૂકંપ પૂર્વતૈયારી, ભૂકંપીય જોખમ મૂલ્યાંકન અને માઇક્રોઝોનેશન’ વિષય પર વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં ભૂકંપ અંગે વૈજ્ઞાનિક સમજ કેળવવા, આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ આપવા અને સમાજમાં આપત્તિ પ્રતિકારક ક્ષમતા વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજના મેયર શીતલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલભાઈ ગઢવી, અધિક કલેક્ટર પ્રવીણભાઈ વીથાણી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ, ફાયર વિભાગ, ૧૦૮ ઇમરજન્સી સેવા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં અંદાજે ૧૦૦ જેટલા સહભાગીઓ જોડાયા હતા, જેમાં સ્થાનિક શાળાઓ અને કોલેજોના આશરે ૫૦ વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષકોનો સમાવેશ થયો હતો.
કાર્યશાળા દરમિયાન નિષ્ણાતોએ ભૂકંપનું વિજ્ઞાન, ભૂકંપની તીવ્રતા અને મેગ્નિટ્યુડ વચ્ચેનો તફાવત, ભૂકંપીય જોખમનું મૂલ્યાંકન અને પૂર્વતૈયારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. દિલીપ સિંહે ભૂકંપ અને સિસ્મિક પ્રિપેરનેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે શ્રી પ્રથુલ પટેલે સિસ્મિક હેઝાર્ડ સિનારિયો અને ભૂકંપ સામેની તૈયારી અંગે વક્તવ્ય આપ્યું હતું.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જ્યોસાયન્સ, આર્કિયોલોજી એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણે ‘કચ્છમાં ભૂકંપ સાથે જીવવું’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે સામુદાયિક આપત્તિ પ્રતિકારક ક્ષમતા વધારવા અને યુવા વિદ્યાર્થીઓ માટે અર્થ સાયન્સ ક્ષેત્રે ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. પલ્લબી ચૌધરીએ વિવિધ ભૂભૌતિકીય ઉપકરણોનું પ્રદર્શન કરી લાઇવ ભૂકંપીય ડેટાનું નિદર્શન પણ કર્યું હતું. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના વિનાશક કચ્છ ભૂકંપની દુર્ઘટનાને યાદ કરતાં ભૂકંપ સામે સજ્જતા અને સુરક્ષિત બાંધકામના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કચ્છનો વિસ્તાર ભૂકંપીય દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી વૈજ્ઞાનિક અભિગમ, સમયસર માહિતી અને જનજાગૃતિ આપત્તિની અસરો ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ગુજરાતમાં ભૂકંપની ગતિવિધિઓ પર નજર રાખવા આઈએસઆર દ્વારા ૧૧૦થી વધુ નિરીક્ષણ મથકોનું નેટવર્ક કાર્યરત હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમાંથી આશરે ૬૦ મથકો મારફતે ડેટા સેન્ટર સુધી માહિતી પહોંચાડે છે. આ નેટવર્ક ભૂકંપની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી તેના કેન્દ્રબિંદુ અને મેગ્નિટ્યુડ અંગે ઝડપથી માહિતી મેળવવામાં મદદરૂપ બને છે.
ભૂકંપના નિરીક્ષણ ઉપરાંત સુરક્ષિત શહેરી વિકાસ, ભૂકંપરોધક ઇમારતોની રચના, ભૂગર્ભ જળ અને ખનિજોની શોધ તેમજ ડેમ, અણુઊર્જા મથકો અને સૌર-પવન ઊર્જા પ્રોજેક્ટ્સની ભૂગર્ભીય સુરક્ષાના મૂલ્યાંકન જેવા ક્ષેત્રોમાં પણ કામગીરી કરવામાં આવે છે. કાર્યશાળાના માધ્યમથી વિદ્યાર્થીઓ, નાગરિકો અને સરકારી વિભાગોના પ્રતિનિધિઓમાં ભૂકંપ અંગે જાગૃતિ વધારવા, વૈજ્ઞાનિક સમજ વિકસાવવા અને આપત્તિ સમયે સંકલિત પ્રતિસાદ માટે તૈયાર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
------

Comments