Trending News
સ્થાનિક સમાચાર

પુણેની એમઆઇટી એડીટી યુનિવર્સિટીના ફેશન ડિઝાઇન વિભાગના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી

22 October



ભુજ - કચ્છઉદય : ભુજ સ્થિત ઐતિહાસિક કચ્છ મ્યુઝિયમ ખાતે મહારાષ્ટ્રના પુણેની એમઆઇટી એડીટી યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ફેશન ડિઝાઇન વિભાગની શૈક્ષણિક ટીમે મુલાકાત લીધી હતી. આ ટીમમાં વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર નીતિન ગુપ્તા અને આસિસ્ટન્ટ પ્રોફેસર પલ્લવી નાથના માર્ગદર્શન હેઠળ ૪૦ થી ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદ્યાર્થીઓએ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલાનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો હતો.
યુનિવર્સિટીની ટીમે કચ્છ મ્યુઝિયમ ખાતે આવેલી ટેક્સટાઇલ ગેલેરીની મુલાકાત લઈને તેમાં પ્રદર્શિત કચ્છના પરંપરાગત ભરતકામ, વણાટકામ અને વસ્ત્રકલાના અનોખા સંગ્રહનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા દ્વારા એક ઉત્કૃષ્ટ યજમાન તરીકે વિદ્યાર્થીઓને કચ્છના ટેક્સટાઇલના ભવ્ય ઇતિહાસ, કલાત્મકતા અને મ્યુઝિયમની વિરાસત વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી. પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ મ્યુઝિયમના આ અદ્દભૂત કલેક્શનની મુક્ત મને પ્રશંસા કરી અને તેને વસ્ત્રકલાનો એક અનમોલ ખજાનો ગણાવ્યો હતો.
આ પ્રસંગે પુરાતત્વ વિભાગના અધીક્ષક ડૉ. આદિત્યસિંહ, જયપાલસિંહ જાડેજા અને ધવલ દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કચ્છના ઐતિહાસિક અને પુરાતત્વીય વારસા અંગે માહિતગાર કર્યા હતા. મુલાકાત દરમિયાન પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ કચ્છ મ્યુઝિયમને રિસર્ચ માટે એક જીવંત પાઠશાળા સમાન ગણાવી, આગામી સમયમાં ટેક્સટાઇલ ક્ષેત્રે માહિતીના આદાન-પ્રદાન તેમજ ઊંડાણપૂર્વક સંશોધન કરવા અંગે પોતાની તૈયારી દર્શાવી હતી. મ્યુઝિયમ તંત્ર દ્વારા આ મુલાકાતને કચ્છની વસ્ત્રકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખ્યાતિ અપાવનાર એક ઐતિહાસિક ક્ષણ ગણાવવામાં આવી હતી.
----------- 

Comments

COMMENT / REPLY FROM