રૂફટોપ સોલારમાં ગરીબ પરિવારોને મોટી રાહત : ૧૦૦૦ કરોડની વધારાની સબસિડીના નિર્ણયને આવકાર
ત્રણ લાખથી વધુ પરિવારોને લાભની આશા : રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંક
ગાંધીનગર - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર : મફળ વિજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર સ્થાપિત કરવા માટે રૂ. ૧,૦૦૦ કરોડની વધારાની સબસિડી આપવાના નિર્ણયને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે આવકારી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ત્રણ લાખથી વધુ પરિવારોને સીધો લાભ મળવાની આશા છે.
આ યોજના હેઠળ સામાન્ય વર્ગના પરિવારોને સોલાર સિસ્ટમના નિર્ધારિત ખર્ચના માત્ર ૧૦ ટકા અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના પરિવારોને માત્ર પાંચ ટકા રકમ ચૂકવવાની રહેશે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડી દ્વારા પૂરી કરવામાં આવશે. એક કિલોવોટની રૂફટોપ સોલાર સિસ્ટમની નિર્ધારિત કિંમત રૂ. ૫૪,૦૦૦ છે તેમાં સામાન્ય પરિવારને માત્ર રૂ. ૫,૪૦૦ અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના પરિવારને માત્ર રૂ.૨,૭૦૦ ચૂકવવાના રહેશે. આ જોગવાઈથી આર્થિક રીતે નબળા અને વંચિત પરિવારો માટે સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું વધુ સરળ બનશે. રાજેન્દ્ર ટાંકેે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, વીજળીના ખર્ચનો બોજ સહન કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ નિર્ણય રાહતરૂપ બની શકે છે. સોલાર ઊર્જાનો વ્યાપ વધવાથી પરંપરાગત વીજળી પરનું અવલંબન ઘટાડી શકાશે અને પરિવારોને વીજળીના બિલમાં બચત કરવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, યોગ્ય બેટરી સંગ્રહ વ્યવસ્થા અને ઇન્વર્ટરની મદદથી વીજ પુરવઠો ખોરવાય ત્યારે સંગ્રહિત સૌર ઊર્જાનો ઉપયોગ પણ કરી શકાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ૮.૫ લાખથી વધુ ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે. ગરીબ, મધ્યમ વર્ગ અને વંચિત પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવવાની દિશામાં લેવાયેલા આ નિર્ણય બદલ રાજેન્દ્ર ટાંકેે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાત સરકારનો આભાર માની યોજનાનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી છે.
----

Comments