ભુજના પ્રવેશદ્વાર સમો હોસ્પિટલ રોડ ટૂંક સમયમાં નવા વાઘા ધારણ કરશે
તંત્ર વાહકોને સાથે રાખીને ધારાસભ્ય કેશુભાઈનો રૂબરૂ આદેશ
ભુજ - કચ્છઉદય : આંતર જિલ્લાથી મુખ્ય મથક આવતા તમામ વાહનો માટે અતિ મહત્વના અને વ્યસ્ત માર્ગ એવા હોસ્પિટલ રોડથી જ્યુબીલી ગ્રાઉન્ડ જતા રસ્તાની કાયાકલ્પ કરવા સાથે વિસ્તૃતિકરણ કરવા માટે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કમર કસીને સંલગ્ન તમામ વહીવટી તંત્રને તાત્કાલિક કામ શરૂ કરવા સૂચના આપી હતી.
ધારાસભ્ય કેશુભાઈએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી જનરલ હોસ્પિટલ થઈને જ્યુબીલી ગ્રાઉન્ડ તરફના અતિ વ્યસ્ત માર્ગને વિસ્તૃત કરીને તેનું સરફેસિંગ કરવા અગાઉ કરેલી રજૂઆત બાદ તે મંજુર થઈ ગયો છે, આ માટે તેઓએ પ્રાંત અધિકારી શ્રી નાકિયા, માર્ગ અને મકાન વિભાગના ના.કા.ઈજનેર ચિરાગ ડુડીયા અને નગરપાલિકાના મુખ્ય અધિકારી ટિ્વકંલ પટેલ સાથે પગપાળા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. માર્ગમાં જ્યાં જ્યાં અડચણ કે દબાણો છે તેની જાત માહિતી મેળવીને તેને હટાવવાની અધિકારીઓને સૂચના આપી હતી અને માર્ગનું કામ તત્કાળ ચાલુ કરવા આદેશ આપ્યો હતો. આ માર્ગ બે તરફ નવ નવ મીટર સાથે ૧૮ મીટર પહોળો બનાવવાની યોજના છે. કેશુભાઈએ કહ્યું હતું કે, ભુજના અને તાલુકાના અનેક ગ્રામ્ય માર્ગો મંજુર થયા પછી તેના અનેક કામો પણ પૂર્ણ થતાં લોકોને સુવિધા પ્રાપ્ત થઈ છે.
ભુજ શહેરના પણ કેટલાયે માર્ગોનું નવીનીકરણ થયું છે, તે શ્રુંખલામા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી જ્યુબીલી ગ્રાઉન્ડનો માર્ગ પણ હવે નવા વાઘા સર્જશે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને મોટી રાહત થશે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સૂચના છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભુજ સહિત કચ્છના અનેક માર્ગો રાજ્ય સરકારની અમી દ્રષ્ટિ થકી નવા નકોર બન્યા છે. તેમણે જિલ્લાના વિકાસકામો માટે અંગત કાળજી લેવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.
----

Comments