નખત્રાણાના ચરાખડા ગામેથી રૂ. ૯.૮૪ લાખની ૧૬૪ સોલાર પ્લેટોની ચોરી
અદાણી રિન્યુએબલ પાવર કંપનીના સોલાર પ્લાન્ટમાંથી તસ્કરો ત્રાટક્યાઃ નખત્રાણા પોલીસ મથકેઅજાણ્યા ચોર સામે ગુનો નોંધાયો
નખત્રાણા - કચ્છઉદય તાલુકાના ચરાખડા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી મોટી માત્રામાં સોલાર પ્લેટોની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નખત્રાણાના ટોડીયા ગામે રહેતા દિનુભા નાનુભા જાડેજાએ નખત્રાણા પોલીસ મથકે આ અંગે અજાણ્યા તસ્કર સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૯/૧૦ ના રાતના કલાક ૧૨ થી સવારે ૪ વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. આ જગ્યા પર આવેલી અદાણી રિન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રિન્યુએબલ એનર્જીના કામમાં પ્રીમિયર એનર્જીસ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પ્લેટો રાખવામાં આવી હતી. કોઈ અજાણ્યા ચોર ઇસમે ૪ટ૬ સાઈઝની અને એક પ્લેટનું વજન ૩૪ કિલોગ્રામ ધરાવતી કુલ ૧૬૪ નંગ સોલાર પ્લેટો, જેની કિંમત રૂ. ૯,૮૪,૦૦૦ થાય છે, તેની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે નખત્રાણા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ નખત્રાણા પોલીસ મથકના પીએસઆઇ આર.ડી. બેગડીયા ચલાવી રહ્યા છે.

Comments