ભુજમાં સ્વદેશી મેળા માટે અરજીઓ મંગાવાઈ
૨૨થી ૩૧ ઑક્ટોબર દરમિયાન મેળો યોજાશે : સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓ ૧૭ ઑક્ટોબર સુધી અરજી કરી શકશે
ભુજ-કચ્છઉદય : સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી વસ્તુઓ બનાવતા ઉત્પાદકોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે તક મળી રહે તે હેતુથી ભુજ નગરપાલિકા દ્વારા તા. ૨૨થી ૩૧ ઑક્ટોબર દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ભાગ લેવા ઇચ્છુકો પાસેથી તા. ૧૭ ઑક્ટોબર સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે.
સ્થાનિક સ્તરે બનતી વસ્તુઓની ખરીદી વધે, કારીગરોને પ્રોત્સાહન મળે અને નાના ઉત્પાદકોને પોતાનો માલ લોકો સુધી પહોંચાડવા માટે બજાર મળે તે હેતુથી આ મેળો યોજાશે. ‘સ્થાનિક વસ્તુઓને પ્રાધાન્ય’ના અભિગમ સાથે આત્મનિર્ભર ભારત અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યને વેગ આપવાનો પણ આ આયોજનનો આશય છે.
મેળામાં સ્વસહાય જૂથો, સ્થાનિક કારીગરો, નાના ઉત્પાદકો, કલાસર્જકો, નાના ઉદ્યોગકારો, ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમજ હસ્તકળા અને અન્ય સ્વદેશી ચીજવસ્તુઓ બનાવતા લોકો ભાગ લઈ શકશે. મેળામાં ભાગ લેવા માટે અરજદારે મુખ્ય અધિકારી, ભુજ નગરપાલિકાને સંબોધીને અરજી કરવાની રહેશે. અરજીના કવર પર ‘સ્વદેશી મેળા માટે અરજી’ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. અરજી રૂબરૂ, ટપાલ અથવા કુરિયર દ્વારા તા. ૧૭ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીમાં પહોંચાડવાની રહેશે.
----------

Comments