Trending News
સ્થાનિક સમાચાર

અંજારના મોટી નાગલપર ગામે નવિન પંચાયત ઘરનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા

10 October


રૂ.૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનથી ગ્રામજનોને ઘરઆંગણે મળશે વિવિધ જનસુવિધાઓ

અંજાર - કચ્છઉદય : અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે નવીન પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનાઅધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્યમંત્રીએ અંદાજે રૂ.૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરની ભેટ આપતા ગ્રામજનોને જણાવ્યું હતું કે, શહેરો જેવી સુવિધાઓ ગામડાઓમાં ઉપલબ્ધ બને અને છેવાડાનામાનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એ જ ધ્યેય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી કામગીરી કરી રહી છે. 
ગ્રામ પંચાયતના સેવક અને દીકરીઓને પ્રાથમિકતા આપીને તેમના હસ્તે નવા પંચાયત ભવનનું લોકાર્પણ કરાવીને રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મોટી નાગલપર ગામનો સંપ એ જ સૌથી મોટી મૂડી છે. રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર વિકાસને પ્રાથમિકતા આપીને કામગીરી કરી રહી છે. આજે ગ્રાન્ટનાઅભાવના કારણે એકપણ વિકાસકાર્ય અટકી રહ્યું નથી. કચ્છના વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપીને રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છના ગામડાઓ આજે વાઈબ્રન્ટ બન્યા છે. આજે આપણા ગામડાઓમાં ઘરે ઘરે શૌચાલય બન્યા છે. કચ્છમાં લોકોને ઘર આંગણે જ રોજગારી મળી રહી છે. રાજ્યમંત્રીએ નમો લક્ષ્મી જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ અપાવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.  નવીન પંચાયત ઘરનું નિરીક્ષણ કરીને રાજ્યમંત્રીએઉમેર્યું હતું કે, આ પ્રકારની માળખાકીય સુવિધાઓ અને ડિજિટલ ગુજરાતના લીધે નાગરિકોના સમયનો બચાવ થઈ રહ્યો છે. રાજ્યમંત્રીએ અંજાર સહિત આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવી કોલેજની મંજૂરી તેમજ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જેવા પ્રકલ્પોને પરિવર્તનકારી વિકાસલક્ષી પગલાઓ ગણાવ્યા હતા. મોટી નાગલપર ખાતે વિકાસલક્ષી કામો માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા અંદાજે એક કરોડથી વધારેની રકમ ફાળવવામાં આવી છે તે જાણીને રાજ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નવીન પંચાયત ભવનને પોતાનું ઘર સમજીને તેની જાળવણીની સામૂહિક જવાબદારી લેવા રાજ્યમંત્રીએ સૂચન કર્યું હતું.  
અંજારના પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે લોકાર્પિત થયેલું નવીન પંચાયત ઘર એ સરકારના પ્રજાભિમુખ પારદર્શી વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાંત અધિકારીએ એટીવીટી અંતર્ગત ગામના વિકાસ માટે અંદાજે રૂ. ૫ લાખ ગ્રાન્ટફાળવણીની જાહેરાત કરીને મોટી નાગલપરમાં નિયમોનુસાર વિકાસ કામોને મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. 
આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ જયેશભાઈ જેઠવા, નરેશભાઈ મહેશ્વરી, બી.કે. આહિર, ભગવાનજીભાઈ રાઠોડ, કાનજીભાઈ આહીર, નૌતમભાઈ ચૌહાણ, નરેશભાઈ થારુ, મનજીભાઈ આહિર, શામજીભાઈ બરાડિયા, જ્યોતિબેન ટાંક, હેતલબેન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 
-------------

Comments

COMMENT / REPLY FROM