Trending News
સ્થાનિક સમાચાર

‘ખનીજ ચોરી બંધ કરો, નહીં તો ગમે ત્યારે ટીમ પહોંચી જશે’

08 September

નખત્રાણા-લખપતમાં ગેરકાયદે માઇનિંગ સામે પ્રાંત અધિકારીનો સપાટો



ખનીજચોરી થતી હોય તો ૯૯૭૮૪૦૫૭૭૦ પર જાણ કરવા અનુરોધ, તો બીજી તરફ ઓવલોડ પર પણ ધોસ બોલાવી છે  


નખત્રાણા : પશ્ચિમ કચ્છના નખત્રાણા અને લખપત તાલુકામાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી સામે હવે પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદે માઇનિંગ કરનારાઓને નખત્રાણાના આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી આઈએએસ ઉત્કર્ષ ઉજ્જવલે ખુલ્લી ચેતવણી આપી છે કે ખનીજ ચોરીનો ધંધો બંધ કરી દેવામાં આવે, નહીં તો તંત્રની ટીમ ગમે ત્યારે સ્થળ પર પહોંચી જશે અને માત્ર ખાણ-ખનીજ વિભાગને જાણ કરીને નહીં, પરંતુ પોલીસ ફરિયાદ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે જણાવ્યું હતું કે નખત્રાણા અને લખપત તાલુકામાં ગેરકાયદે માઇનિંગ અંગે તંત્રને સતત માહિતી મળી રહી છે. લખપત તાલુકામાં હજુ પણ ત્રણથી ચાર સ્થળે ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી છે, જ્યારે નખત્રાણા વિસ્તારમાં પણ ગેરકાયદે માઇનિંગની માહિતી મળી છે.આ સ્થળોએ કોઈપણ સમયે દરોડા પાડી ચેકિંગ કરવામાં આવશે. ગેરકાયદે ખનન કરનારાઓ સામે માત્ર ખનીજ વિભાગને રિપોર્ટ મોકલીને કાર્યવાહી પૂર્ણ નહીં કરવામાં આવે, પરંતુ જરૂરી જણાય તો પોલીસ ફરિયાદ સહિતની તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકારને આર્થિક નુકસાન પહોંચાડીને ગેરકાયદે ખનીજ ચોરીનો વ્યવસાય કરતા લોકોએ હવે આ પ્રવૃત્તિ બંધ કરી દેવી પડશે.


............
મધરાતે ૨ઃ૫૦ વાગ્યે સરકારી જમીનમાં દરોડો, પથ્થરમારાની કોશિષ


લખપત તાલુકામાં સરકારી યોજનાઓના નામે ગેરકાયદે ખનીજ ખનન થતું હોવાની ફરિયાદો વચ્ચે પ્રાંત અધિકારી પોતે રાત્રે આશરે ૨ઃ૫૦ વાગ્યે મુરચબાણ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સરકારી જમીનમાં બે હિટાચી મશીન અને ચાર ટ્રક મારફતે ખનીજનું ખોદકામ અને વહન થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર મોટા ખાડા જોવા મળ્યા હતા તેમજ અંદાજે ૨ હજાર મેટ્રિક ટન જેટલો ખનીજનો જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. દરોડા દરમિયાન તંત્રની ટીમ સ્થળ પર પહોંચતાં કેટલાક તત્વો દ્વારા ટીમ પર પથ્થરમારો કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે રાજુ રબારી અને લખુભા નામના શખ્સોના નામ સામે આવ્યા છે અને તેમની સામે પોલીસ કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે.


...............



નદીના પટમાં પણ ગેરકાયદે ખનન

બીજી તરફ નખત્રાણા તાલુકામાં નિરોણા વિસ્તારમાં નદીના પટમાં ગેરકાયદે માઇનિંગ થતું હોવાની માહિતી મળતાં પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ફરી સ્થળ તપાસ કરવામાં આવી હતી. બપોરના સમયે કરવામાં આવેલી કાર્યવાહીમાં નદીના પટમાં મોટા પાયે ખોદકામ થયેલું જોવા મળ્યું હતું. સ્થળ પરથી રેતી ભરેલા ટ્રેક્ટર-ડમ્પર પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે તપાસ અહેવાલ તૈયાર કરી ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.


...............

‘માહિતી આપો, તંત્ર સ્થળે પહોંચશે’


પ્રાંત અધિકારીએ નખત્રાણા અને લખપત તાલુકાના લોકોને પણ ગેરકાયદે ખનન સામે તંત્રને માહિતી આપવા અપીલ કરી છે. આસપાસના વિસ્તારમાં ગેરકાયદે માઇનિંગ થતું હોય, ખનીજનો ગેરકાયદે સ્ટોક કરાયો હોય અથવા રોયલ્ટી વિના ખનીજનું વહન થતું હોય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા જણાવાયું છે. લોકો પ્રાંત અધિકારીના સરકારી મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૫૭૭૦ પર ફોન અથવા વોટ્‌સએપ મારફતે માહિતી આપી શકશે. જરૂર જણાય તો રૂબરૂ પણ જાણ કરી શકાશે.


..................

હવે દરોડા માત્ર કાગળ પર નહીં, સ્થળ પર જ


પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે સામાન્ય રીતે ખાણ-ખનીજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી થતી હોય છે, પરંતુ નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા જાતે સ્થળ પર પહોંચી તપાસ અને દરોડાની કાર્યવાહી શરૂ કરાતા ગેરકાયદે માઇનિંગ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. નખત્રાણા-લખપતના સંવેદનશીલ વિસ્તારોમાં હવે તંત્રની સીધી નજર હોવાનું સ્પષ્ટ થયું છે.

 

Comments

COMMENT / REPLY FROM