નખત્રાણા-માતાના મઢ માર્ગ પર પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ
સાંકડા રસ્તા અને બંને બાજુની ઝાડી-કાંટાથી અકસ્માતનો ભય : નવરાત્રી પૂર્વે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી જરૂરી
નખત્રાણા-કચ્છઉદય : નખત્રાણાથી માતાના મઢ તરફ જતો માર્ગ નવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની અવરજવરથી ધમધમતો હોય છે. ખાસ કરીને મોટી સંખ્યામાં ભક્તો પગપાળા માતાજીના દર્શનાર્થે પહોંચતા હોવા છતાં પદયાત્રીઓ માટેની સલામતી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માર્ગની બંને બાજુ પૂરતી જગ્યા ન હોવાથી પગપાળા જતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તો સાંકડો હોવાના કારણે સામેથી બસ, ટ્રક કે અન્ય મોટું વાહન પસાર થાય ત્યારે પદયાત્રીઓને રસ્તાની નીચે કે કિનારે ઉતરી જવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં વાહનચાલકોની સહેજ પણ બેદરકારી કે અંધારાના સમયે દૃશ્યતા ઓછી થવાથી અકસ્માત સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. નવરાત્રી દરમિયાન પદયાત્રીઓની સંખ્યા અનેકગણી વધી જતી હોવાથી જોખમ પણ વધવાની સંભાવના છે.
સ્થાનિક સ્તરે માંગ ઉઠી રહી છે કે નવરાત્રી દરમિયાન ભક્તોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી માર્ગની બંને બાજુ ઉગી નીકળેલી કાંટાળી ઝાડી-જાડીઓ અને અન્ય અવરોધો તાત્કાલિક દૂર કરવામાં આવે. જરૂરી સ્થળોએ માર્ગની બાજુમાં પદયાત્રીઓ માટે ચાલવા યોગ્ય જગ્યા તૈયાર કરવામાં આવે તો વાહનો અને પદયાત્રીઓ વચ્ચેનું જોખમ ઘટાડી શકાય. તંત્ર દ્વારા સમયસર સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તેમજ પદયાત્રીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. નવરાત્રી દરમિયાન માતાના મઢ તરફ મોટી સંખ્યામાં ઉમટનારા ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
----------

Comments