ભુજના સાતમ -આઠમના મેળાની આર્થિક અસર અંગે અર્થશાસ્ત્ર વિભાગ - કચ્છ યુનિ.ના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ
૫૩ વેપારીઓના સર્વેના આધારે સ્થાનિક વેપાર, આવક, રોજગારી અને અર્થતંત્ર પર મેળાની અસરનું વિશ્લેષણ
ભુજ-કચ્છઉદય : એસ. કે. વી. કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો અને એમ.એ-સેમ૧ અને સેમ-૩ના વિદ્યાર્થીઓ તથા પીએચડી સ્કોલર્સ દ્વારા ભુજ શહેરમાં યોજાતા સ્થાનિક મેળાની આર્થિક અને સામાજિક અસરનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસનો મુખ્ય હેતુ સ્થાનિક મેળો વેપારીઓના વેચાણ, આવક, નફો, ગ્રાહકોની સંખ્યા, નવા બજારની તકો તેમજ સ્થાનિક રોજગારી અને અન્ય સ્થાનિક વ્યવસાયો પર કેવી અસર કરે છે તે સમજવાનો હતો. આ સંશોધન માટે મેળામાં ભાગ લેનારા કુલ ૫૩ વેપારીઓ પાસેથી પ્રાથમિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને તેમના વ્યવસાયિક અનુભવ તથા મેળામાં થયેલી આર્થિક પ્રવૃત્તિના આધારે મેળાની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ભુજનો સ્થાનિક મેળો માત્ર મનોરંજન અથવા ખરીદી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સ્થાનિક અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિ વધારતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. મેળામાં સ્થાનિક તેમજ બહારથી આવતા વેપારીઓ ભાગ લે છે. અભ્યાસમાં સામેલ વેપારીઓમાંથી ૬૪.૨ ટકા વેપારીઓ સ્થાનિક વિસ્તારના છે, જ્યારે ૩૫.૮ ટકા વેપારીઓ અન્ય જિલ્લાઓ અથવા રાજ્યોમાંથી મેળામાં ભાગ લેવા આવે છે. આથી મેળો સ્થાનિક વેપારીઓને સીધું બજાર પૂરું પાડવાની સાથે બહારના વેપારીઓને પણ ભુજમાં વેપાર કરવાની તક આપે છે.
વેપારીઓના મેળામાં ભાગ લેવાના હેતુ અંગે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે ૮૧.૧ ટકા વેપારીઓ માટે આવક વધારવી મુખ્ય હેતુછે. આ ઉપરાંત ૩૦.૨ ટકા વેપારીઓએ વેચાણ વધારવા અને ૨૬.૪ ટકા વેપારીઓએ નવા ગ્રાહકો મેળવવા માટે મેળામાં ભાગ લેતા હોવાનું જણાવ્યું છે. આ પરિણામો દર્શાવે છે કે નાના અને મધ્યમ વેપારીઓ માટે સ્થાનિક મેળો સામાન્ય બજારની બહાર વધારાના ગ્રાહકો સુધી પહોંચવાનું અને પોતાની આવક વધારવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે.
મેળાની આર્થિક અસરનો સૌથી મહત્વપૂર્ણ પાસો વેપારીઓના વેચાણમાં થયેલો વધારો છે. અભ્યાસ દરમિયાન ૩૦.૨ ટકા વેપારીઓએ ૧૧થી ૨૫ ટકા વેચાણમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે. જ્યારે ૨૮.૩ ટકા વેપારીઓએ ૧૦ ટકા સુધીનો વધારો અને ૨૨.૬ ટકા વેપારીઓએ ૨૬થી ૫૦ ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. ૭.૫ ટકા વેપારીઓએ ૫૦ ટકાથી વધુ વેચાણ વધ્યું હોવાનું જણાવ્યું છે. આ સાથે ૭૭.૪ ટકા વેપારીઓએ મેળા દરમિયાન નફામાં વધારો થયો હોવાનું જણાવ્યું છે. આ આંકડાઓ પરથી જણાય છે કે મેળો વેપારીઓ માટે માત્ર ગ્રાહકો મેળવવાનું સ્થળ નહીં પરંતુ તેમની આવક અને નફામાં વધારો કરતું આર્થિક માધ્યમ પણ છે.
અભ્યાસમાં વેપારીઓને મેળામાં ભાગ લેવા માટે થતા ખર્ચનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સ્ટોલ ભાડું અથવા ચાર્જ, પરિવહન, રહેઠાણ, ભોજન, મજૂરી, માલ પરિવહન અને વીજળી જેવા ખર્ચ વેપારીઓ માટે મુખ્ય ખર્ચ તરીકે સામે આવ્યા છે. ૮૩ ટકા વેપારીઓએ સ્ટોલ ચાર્જને અને ૮૧.૧ ટકા વેપારીઓએ પરિવહન ખર્ચને મુખ્ય ખર્ચતરીકે દર્શાવ્યો છે. તેમ છતાં ૪૧.૫ ટકા વેપારીઓએ પોતાનો ખર્ચ સંપૂર્ણપણે વસૂલ થયો હોવાનું અને ૫૪.૭ ટકા વેપારીઓએ ખર્ચ આંશિક રીતે વસૂલ થયો હોવાનું જણાવ્યું છે. આથી મોટાભાગના વેપારીઓ માટે મેળામાં કરાયેલું રોકાણ ઓછામાં ઓછું આંશિક રીતે પરત મળતું હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે.
સ્થાનિક મેળાની અસર માત્ર મેળામાં સીધો વેપાર કરતા વેપારીઓ પૂરતી મર્યાદિત રહેતી નથી. મેળામાં આવતા મુલાકાતીઓ અને બહારથી આવતા વેપારીઓના કારણે સ્થાનિક પરિવહન, રહેઠાણ, ખાદ્યપદાર્થો અને અન્ય સેવાઓમાં પણ આર્થિક પ્રવૃત્તિ વધે છે. અભ્યાસમાં લગભગ ૮૯ ટકા વેપારીઓએ રહેઠાણ અને ખાદ્ય વ્યવસાયોને મેળાથી લાભ થતો હોવાનુંજણાવ્યું છે. લગભગ ૬૮ ટકા વેપારીઓએ સ્થાનિક પરિવહન વ્યવસાયને પણ મેળાથી લાભ થતો હોવાનું માન્યું છે. આથી મેળામાં થતો ખર્ચ સ્થાનિક અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં વહેંચાઈને અનેક વ્યવસાયો માટે આવકનું સર્જન કરી શકે છે.
અભ્યાસમાં સ્થાનિક ઉત્પાદનો અને સ્થાનિક વ્યવસાયો પર પણ મેળાની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ઉત્પાદનોની માંગમાં વધારો થયો હોવાનું લગભગ ૭૦ ટકા વેપારીઓએ સકારાત્મક રીતે જણાવ્યું છે, જ્યારે લગભગ ૮૩ ટકા વેપારીઓએ સ્થાનિક વ્યવસાયોને મેળાથી પ્રોત્સાહન મળતું હોવાનુંસ્વીકાર્યું છે. આથી મેળો સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકો સમક્ષ રજૂ કરવાની તથા નવા ગ્રાહકો સુધી પહોંચવાની તક પૂરી પાડે છે.
રોજગારીના સંદર્ભમાં પણ મેળાનું મહત્વ સામે આવ્યું છે. મેળા દરમિયાન સ્ટોલનું સંચાલન, માલની હેરફેર, મજૂરી, પરિવહન, ખાદ્ય સેવા અને અન્ય સહાયક કામગીરી માટે વધારાની માનવશક્તિની જરૂરિયાત ઊભી થાય છે. અભ્યાસમાં લગભગ ૬૮ ટકા વેપારીઓએ મેળાથી સ્થાનિક વિસ્તારમાં અસ્થાયી રોજગારીની તકો ઊભી થતી હોવાનુંજણાવ્યું છે. આ રીતે સ્થાનિક મેળો ટૂંકા ગાળાની રોજગારી અને આવકની તકો ઊભી કરવામાં પણ યોગદાન આપી શકે છે.
મેળાની સમગ્ર સ્થાનિક આર્થિક અસર અંગે પણ વેપારીઓનો પ્રતિભાવ સકારાત્મક જોવા મળ્યો છે. ૩૫ વેપારીઓએ અને વધુ ૧૦ વેપારીઓએ સંપૂર્ણ સહમતિ દર્શાવી હતી કે સ્થાનિક મેળો સ્થાનિક આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.આ રીતે લગભગ ૮૫ ટકા વેપારીઓએ સ્થાનિક અર્થતંત્રના વિકાસ પર મેળાની અસરને સકારાત્મક ગણાવી છે.આ પરિણામ મેળાની આર્થિક અસર માત્ર વેપારીઓના વ્યક્તિગત વેચાણ સુધી સીમિત ન રહીને સ્થાનિક બજાર અને સેવાક્ષેત્ર સુધી વિસ્તરતી હોવાનો સંકેત આપે છે.
મેળામાં ભાગ લીધા બાદ વેપારીઓના ભવિષ્યના વલણ અંગે પણ મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે. ૬૬ ટકા વેપારીઓએ ભવિષ્યમાં ફરીથી મેળામાં ભાગ લેવાની ચોક્કસ ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ૨૦.૮ ટકા વેપારીઓએ કદાચ ફરી ભાગ લેવાની સંભાવના દર્શાવી છે. એટલે કે લગભગ ૮૬.૮ ટકા વેપારીઓ ભવિષ્યમાં ફરી મેળામાં જોડાવા અંગે સકારાત્મક વલણ ધરાવે છે.આ પરિણામ વેપારીઓ માટે મેળાની વ્યવસાયિક ઉપયોગિતાને પણ પ્રતિબિંબિત કરે છે.
જોકે અભ્યાસમાં મેળાની અનેક સકારાત્મક અસરો સામે આવી છે, તેમ છતાં વેપારીઓ દ્વારા કેટલીક સમસ્યાઓ પણ દર્શાવવામાં આવી છે. ૭૩.૬ ટકા વેપારીઓએ ઊંચા સ્ટોલ ચાર્જને મુખ્ય સમસ્યા ગણાવી છે, જ્યારે ૫૦.૯ ટકા વેપારીઓએ ઊંચા પરિવહન ખર્ચને પડકાર તરીકે દર્શાવ્યો છે. આ ઉપરાંત ગ્રાહકોની ઓછી સંખ્યા, ન વેચાયેલો માલ, વેપારીઓ વચ્ચેની સ્પર્ધા, મજૂરી ખર્ચ, રહેઠાણ ખર્ચ, ગ્રાહકોની ઓછી ખરીદશક્તિ અને પૂરતા પ્રચારનો અભાવ જેવી સમસ્યાઓ પણ નોંધાઈ છે. સંશોધનના આ તારણો સૂચવે છે કે જો મેળાના આયોજનમાં વેપારીઓ માટે વાજબી સ્ટોલ ચાર્જ, સરળ પરિવહન વ્યવસ્થા, યોગ્ય પ્રચાર અને સ્થાનિક નાના વેપારીઓ માટે અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો મેળાની આર્થિક અસર વધુ વ્યાપક બની શકે છે.
અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસનું મહત્વ એ છે કે તેમાં સ્થાનિક મેળાને માત્ર સાંસ્કૃતિક અથવા મનોરંજનની પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ સ્થાનિક આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેળામાં આવતા લોકો દ્વારા કરવામાં આવતો ખર્ચ વેપારીઓની આવકમાં વધારો કરે છે, વેપારીઓ દ્વારા માલ અને સેવાઓની ખરીદી થાય છે, પરિવહન તથા અન્ય સેવાઓનો ઉપયોગ વધે છે અને મેળા સંબંધિત વિવિધ કામગીરીમાં અસ્થાયી રોજગારી ઊભી થાય છે. આ સમગ્ર પ્રક્રિયા સ્થાનિક અર્થતંત્રમાં નાણાંના પરિભ્રમણને વેગ આપી શકે છે.
અભ્યાસના સમગ્ર તારણો પરથી કહી શકાય કેભુજનો સ્થાનિક મેળો સ્થાનિક વેપારીઓ માટે આવક અને નફો વધારવા, નવા ગ્રાહકો મેળવવા, નવા બજારમાં પ્રવેશવા તથા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. સાથે સાથે પરિવહન, રહેઠાણ, ખાદ્ય વ્યવસાય અને અસ્થાયી રોજગારી જેવા ક્ષેત્રોને પણ મેળાથી લાભ મળતો હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. તેથી સ્થાનિક મેળાનું યોગ્ય આયોજન અને સંચાલન કરવામાં આવે તો તે ભુજના સ્થાનિક આર્થિક વિકાસ માટે વધુ અસરકારક સાધન બની શકે છે.
આ સંશોધન દ્વારા મળેલા તારણો સ્થાનિક મેળાના આયોજન સાથે જોડાયેલા આયોજકો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, વેપારી સંગઠનો તથા નીતિ-નિર્માતાઓ માટે ઉપયોગી બની શકે છે. ખાસ કરીને વેપારીઓ દ્વારા દર્શાવવામાં આવેલી ઊંચા સ્ટોલ ચાર્જ અને પરિવહન ખર્ચ જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે અને સ્થાનિક વેપારીઓ તથા ઉત્પાદકોને વધુ તકો આપવામાં આવે તો મેળાની આર્થિક અસરને વધુ મજબૂત બનાવી શકાય છે.
---------

Comments