Trending News
સ્થાનિક સમાચાર

જમ્મુમાં જડીબુટ્ટીઓ પર સંશોધન :ગંભીર રોગોની દવાઓ અને પર્પલ ક્રાંતિ દ્વારા દેશના વિકાસમાં અનન્ય યોગદાન 

01 September




કેન્સર સહિતના ગંભીર રોગો પર અત્યાધુનિક સંશોધન પદ્ધતિઓ : પર્પલ ક્રાંતિથી ખેડૂતોની આવકમાં ચાર ગણો વધારો અને હજારો ખેડૂતોનું સશક્તિકરણ : વિદ્યાર્થીઓ માટે જિજ્ઞાસા કાર્યક્રમ, બાયોટેક પાર્ક અને ભારતીય જ્ઞાનને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય 


પ્રાકૃતિક વનસ્પતિ અને ક્રાંતિકારી સંશોધનો દ્વારા માનવ સ્વાસ્થ્ય તથા સમાજના સર્વાંગી વિકાસમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટીવ મેડિસિનની સીમાચિહ્નરૂપ કામગીરી



જમ્મુ - કચ્છઉદય : ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળ કાર્યરત કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર) ની એક અત્યંત મહત્વપૂર્ણ સંસ્થા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટીવ મેડિસિન જમ્મુ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે. મંદિરના શહેર તરીકે જાણીતા જમ્મુ ખાતે મુખ્ય વડુ મથક અને શ્રીનગરમાં સેટેલાઇટ કેમ્પસ ધરાવતી આ સંસ્થા દેશમાં નેચરલ પ્રોડક્ટ કેમિસ્ટ્રી અને નવી દવાઓની શોધના ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાનું અગ્રણી કેન્દ્ર બની ચૂકી છે. ૧૯૪૧ માં કર્નલ રામનાથ ચોપરા દ્વારા ડ્રગ રિસર્ચ લેબોરેટરી તરીકે સ્થાપવામાં આવેલી આ સંસ્થાને ૧૯૫૭ માં સીએસઆઈઆર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને ત્યારબાદ ૨૦૦૭ માં તેનું નામ બદલીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટીવ મેડિસિન રાખવામાં આવ્યું હતું.
સંસ્થાના નિયામક ડૉ. ઝુબેર અહમદના જણાવ્યા મુજબ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી સંસાધનો અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને માનવજાત માટે અત્યાધુનિક ઔષધોનું નિર્માણ કરવાનો છે. સંસ્થા પાસે ઐતિહાસિક વારસો અને વૈજ્ઞાનિક ક્ષમતા છે, જેના આધારે તે હિમાલયન ક્ષેત્રની દુર્લભ વનસ્પતિઓ પર સંશોધન કરીને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવીન ક્રાંતિ લાવી રહી છે.
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ - આઈઆઈઆઈએમ જમ્મુ ખાતે ખાસ કરીને કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, સંધિવા એટલે કે રુમેટોઇડ આર્થરાઇટિસ, અલ્ઝાઇમર, ડાયાબિટીસ અને લીવરની ગંભીર બીમારીઓ પર ઊંડાણપૂર્વક પ્રી-ક્લિનિકલ અભ્યાસ અને સંશોધનો કરવામાં આવે છે. સંસ્થાએ સ્વાદુપિંડના કેન્સરની સારવાર માટે કુદરતી સ્ત્રોતમાંથી એક નાનો અણુ શોધી કાઢ્યો છે, જેના ક્લિનિકલ ટ્રાયલ માટે સીડીએસસીઓ તરફથી મંજૂરી મેળવી લેવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરી કેસર પરથી અલ્ઝાઇમર અને સ્મૃતિભ્રંશના દર્દીઓ માટે અત્યંત સુરક્ષિત એવી કેપ્સ્યુલ ફોર્મ્યુલેશન તૈયાર કરી ગુજરાતની ફાર્મા કંપનીને માર્કેટીંગ માટે આપવામાં આવી છે. આ સંસ્થામાં જાનકી અમ્માલ હર્બેરિયમ આવેલું છે, જેમાં વનસ્પતિની ૩,૨૫૪ થી વધુ પ્રજાતિઓના ૨૧,૫૦૦ થી વધુ નમૂનાઓ જતન કરીને રાખવામાં આવ્યા છે, જે ઔષધ ઉદ્યોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. સંસ્થામાં નેનોટેકનોલોજી, મોલેક્યુલર બાયોલોજી, પ્રોટીન એક્સપ્રેશન, કેમિકલ ઇકોલોજી અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ પર કામ કરતી અત્યાધુનિક પ્રયોગશાળાઓ ઉપલબ્ધ છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સહયોગથી ક્લિનિકલ માઇક્રોબાયોલોજી વિભાગ પણ કાર્યરત છે, જે બેક્ટેરિયા સામે નવી દવાઓ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
---------- 


પર્પલ ક્રાંતિ અને ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સોસાયટી કનેક્ટ કાર્યક્રમો 

સંસ્થા માત્ર પ્રયોગશાળા પૂરતી સીમિત ન રહેતા સમાજના દરેક વર્ગ સાથે સીધી રીતે જોડાયેલી છે. સંસ્થા દ્વારા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ અરોમા મિશન અને ફ્લોરીકલ્ચર મિશન જેવા સામાજિક મિશન કાર્યક્રમો ચલાવવામાં આવે છે. છરૈહટ્ઠના વૈજ્ઞાનિકોએ બે દાયકાના પરિશ્રમ બાદ લેવેન્ડરની આરઆરએલ - ૧૨ નામની નવી જાત વિકસાવી છે. આ સંશોધનના કારણે જમ્મુ-કાશ્મીરના ડોડા અને ભદરવા ક્ષેત્રમાં ઐતિહાસિક પર્પલ રિવોલ્યુશન એટલે કે પર્પલ ક્રાંતિ સર્જાઈ છે, જેનાથી સ્થાનિક ખેડૂતોની આવકમાં ચારથી પાંચ ગણો વધારો નોંધાયો છે. સંસ્થા પાસે જમ્મુના છત્તા અને કાશ્મીરના બોનિરા, વેરીનાગ તથા યારીકા ખાતે વિશાળ સંશોધન ફાર્મ આવેલા છે. આ ફાર્મ્સ મારફતે ૫,૦૦૦ થી વધુ ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાનું વાવેતર સાહિત્ય, ખેતીની આધુનિક ટેકનોલોજી, પાક પ્રોસેસિંગ, પ્રોસેસિંગ માટે ડિસ્ટિલેશન અને પ્રોડક્ટના વેચાણ માટે માર્કેટ લિંકેજની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોથી લઈને નાના-મોટા ઉદ્યોગો સુધી સંસ્થા એક મજબૂત કડી તરીકે કામ કરે છે.
---------- 


વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને ભવિષ્યની વૈશ્વિક યોજનાઓ 

શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે પણ સંસ્થાનું યોગદાન અનન્ય છે. શાળાના બાળકો માટે ’જિજ્ઞાસા’ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, જ્યારે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ, પીએચડી અને પોસ્ટ-ડોક્ટરલ સંશોધનની તકો પૂરી પાડવામાં આવે છે. નવતર વિચારો ધરાવતા યુવાનો માટે સંસ્થામાં ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર કાર્યરત છે, જેના મારફતે અનેક નવા સ્ટાર્ટઅપ્સ પોતાની પ્રોડક્ટ્‌સ બજારમાં મૂકી ચૂક્યા છે. માર્ચ ૨૦૨૩ માં સંસ્થાને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા બદલ જમ્મુ-કાશ્મીર સીડ સ્ટાર્ટઅપ એનેબલર એવોર્ડ પણ મળ્યો છે. વધુમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સરકારના સહયોગથી બાયોટેક પાર્કની સ્થાપના કરવામાં આવી છે, જે ટીશ્યુ કલ્ચર, માઇક્રો પ્રોપેગેસન અને બાયો-ફાર્મા સ્થાપનામાં મદદ કરે છે. દાબર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોલગેટ પામોલિવ અને કેડિલા જેવી દેશ-વિદેશની અગ્રણી કંપનીઓ સાથે સંસ્થાનું ટેકનોલોજી ટ્રાન્સફર અને પ્રોડક્ટ વેલિડેશનનું જોડાણ છે. આપણી સદીઓ જૂની આયુર્વેદિક અને ટ્રેડિશનલ ઔષધ પદ્ધતિઓને વૈજ્ઞાનિક પુરાવા અને માન્યતા આપીને સ્થાનિક જ્ઞાનને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું અને ભારતને બોટાનિકલ રિસર્ચમાં આત્મનિર્ભર બનાવવાનું આ સંસ્થાનું લક્ષ્ય છે.
----------- 

Comments

COMMENT / REPLY FROM