Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ૫ તાલુકાઓમાં કચ્છી લેવા પટેલ સમાજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લી. અને યારા ફર્ટિલાઇઝર લી.ના સંયુક્ત ઉપક્રમે ખેડૂત સભાઓ યોજાઈ

26 August



૬૫૦થી વધુ ખેડૂતોએ મેળવ્યું આધુનિક કૃષિ માર્ગદર્શન

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ભુજ, માંડવી, નખત્રાણા, ભચાઉ અને લખપત તાલુકાના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, સંતુલિત પાક પોષણ તથા ફર્ટિલાઇઝરના સચોટ અને અસરકારક ઉપયોગ અંગે માહિતગાર કરવાના શુભ હેતુથી ‘કચ્છી લેવા પટેલ સમાજ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ.’ અને ‘યારા ફર્ટિલાઇઝર લિ.’ના સંયુક્ત ઉપક્રમે ઓગસ્ટ દરમિયાન સઘન ખેડૂત સભાઓ તથા ‘વન-ટુ-વન ફાર્મર મિટિંગ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત માંડવી તાલુકાના ગોધરા તથા ગઢશીશા, ભુજ તાલુકાના રેલડી તથા પીરવાડી, ભચાઉ તાલુકાના સુખપર તથા ગુણાતીતપુર, લખપત તાલુકાના ધુડલી તેમજ નખત્રાણા તાલુકાના રસલિયા, દેશલપર તથા મેઘપર ખાતે ખેડૂત સભાઓ યોજવામાં આવી હતી. આ સભાઓમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આધુનિક ખેતી અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.
ખાસ કરીને કચ્છમાં મોટા પ્રમાણમાં વાવેતર થતા બાગાયતી પાકો દાડમ, ડ્રેગન ફ્રૂટ, આંબા તથા વિવિધ શાકભાજી પાકોમાં જોવા મળતા રોગો, પાક પોષણ, ફર્ટિલાઇઝરના યોગ્ય પ્રમાણ અને ઉપયોગની પદ્ધતિ તેમજ ઉત્પાદનક્ષમતા વધારવા અંગે ખેડૂતોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ૬૫૦થી વધુ ખેડૂત ભાઈઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ પહેલની વિશેષતા એ છે કે એસકેએલપીએસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ.ના એગ્રોનોમિસ્ટ દ્વારા ખેડૂતોની વાડીએ રૂબરૂ મુલાકાત લઈ નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં ભુજ, માંડવી અને નખત્રાણા તાલુકાના ૮૦૦થી વધુ ખેડૂતો આ કૃષિ માર્ગદર્શન સેવાનો લાભ લઈ રહ્યા છે. કચ્છના ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવા, પાકની ગુણવત્તા તથા ઉત્પાદન વધારવા અને ખેતીના ખર્ચમાં યોગ્ય નિયંત્રણ લાવવા માટે આ પ્રકારની માર્ગદર્શન પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ વધુ વિસ્તૃત કરવામાં આવશે. ખેતી સંબંધિત કોઈપણ પ્રશ્ન, સમસ્યા કે મૂંઝવણ અંગે માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ખેડૂતોને ભુજ ખાતે આવેલી એસકેએલપીએસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ.ની કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે સંપર્ક નં. ૬૩૫૪૭ ૦૭૬૯૯ - ૬૩૫૪૬ ૩૮૮૮૭નો સંપર્ક કરવા જણાવાયું છે.
-----

Comments

COMMENT / REPLY FROM